ઇ-વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર ચર્ચા-વિચારણા કરાઈ મોરબી : મોરબી પાટીદારરત્ન જયસુખભાઇ પટેલ અને સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાએ દિલ્હી ખાતે નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ઇ-વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગત તા. 7 એપ્રિલ, 2022ના રોજ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદારરત્ન જયસુખભાઈ પટેલની દિલ્હી ખાતે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર સવિશેષ ચર્ચા થયેલ હતી. ઉલ્લેખનીય છે કે વિશાળ બિઝનેસ એમ્પાયર અને હજારો લોકોને રોજગારી આપવાની સાથે સાથે જળસંચયના કાર્યો પર પણ જયસુખભાઇ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આવનારા દાયકાઓમાં પાણીની સમસ્યા કેટલી જટિલ અને વિકરાળ હશે તેનું સ્વરૂપ દીર્ઘદ્રષ્ટા જયસુખભાઈ અત્યારથી જ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પાણીથી તરબોળ રહે તેમજ કચ્છમાં હરિયાળી ક્રાંતિ થાય અને આવનારી પેઢીઓની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવા લોક કલ્યાણકારી ઉદ્દેશથી રણ સરોવર યોજના પર સરકાર સાથે મળીને ઊંડાણપૂર્વક અભ્યાસ ચર્ચાઓ અને મીટીંગો કરી રહ્યા છે, જે સવિશેષ પ્રશંસનીય અને સરાહનીય છે. ગત તારીખ 4-4-2022 ના રોજ દિલ્હી ખાતે રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય શક્તિસિંહ ગોહિલે જળ શક્તિ મંત્રાલય પાસેથી રણ સરોવર યોજના પર પ્રોગ્રેસ રિપોર્ટ માંગેલ હતો. જેના પ્રત્યુત્તરમાં જલશક્તિ મિનિસ્ટ્રીના રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રણ સરોવર યોજના પર ગુજરાત સરકાર દ્વારા યોગ્ય રીતે તબક્કાવાર અભ્યાસ અને આંકલનની પ્રક્રિયા ઓલરેડી ચાલુ જ છે તેમજ ગુજરાત સરકાર અને જળશક્તિ મંત્રાલય બંને આ યોજના પર અભ્યાસ કરી રહી હોવાનું હોવાનું જણાવેલ હતું. ત્યારે રણ સરોવર થશે તો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ જ નહી પણ સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધશે.