તસ્કરો ગામના મહાકાળી માતાજીના મંદિરમાં દાનપેટી તોડી તેમજ માતાજીના ચડાવેલા આભૂષણો ચોરી ગયા મોરબી : માળીયાના નાના દહીંસરા ગામે માતાજીના મંદિરમાં જન્માષ્ટમીની રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં જન્માષ્ટમીની રાત્રે તસ્કરોએ ગામના માતાજીના મંદિરમાં ત્રાટકીને ચોરીના બનાવને અંજામ આપતાભાવિકોમાં રોષ વ્યાપી ગયો છે અને તસ્કરો ગામના મહાકાળી માતાજીના મંદિરમાં દાનપેટી તોડી તેમજ માતાજીના ચડાવેલા આભૂષણો ચોરી ગયા હતા.ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના નાના દહીંસરા ગામે ગત તા.8ના રોજ જન્માષ્ટમીની મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ માળીયાના નાના દહીંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મોડી રાત્રે જ મહાકાળી માતાજીના મંદિરમાં ત્રાટકીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ આખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં બે શખ્સો મોઢે બાંધીને મહાકાળી માતાજીના મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડતા દેખાય છે. આ બન્ને શખ્સો દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમ તેમજ માતાજીને ચડાવેલા કિંમતી આભૂષણો ઉઠાવી ગયા હતા. પહેલા તસ્કરો મંદિરનું તાળું તોડી બાદમાં દાનપેટી તોડીને રૂ.15 હજાર રોકડા માતાજીને ચડાવેલા ત્રણ ચાંદીના છતર, સોનાની નથડીની ચોરી કરી ગયા હતા. ગામલોકો જન્માષ્ટમીની તહેવારની ઉજવણી કરવા માટે ત્રણ મહિનાથી તૈયારી કરતા હોય દાનપેટીમાં સારી એવી રકમ જમા થઈ હતી. એટલે દાનપેટીમાંથી અંદાજે 15થી 20 હજારની ચોરી થયાનું ગામના સરપંચ કિરીટભાઈએ જણાવ્યું છે. આ મંદિરમાં ચોરીથી ગામલોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેથી પોલીસ તાકીદે તસ્કરોને પકડીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.