મોરબી : દયા, કરુણા, અહિંસા અને સેવા જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. જીવ માત્રનું રક્ષણ અને તેના પર દયા દાખવવાનું જૈન ધર્મમાં ખાસ મહત્વ રહેલું છે. ત્યારે હાલ પડી રહેલી કડકડતી ઠંડીમાં રોડ-રસ્તા પર ઠુંઠવતા લોકોને હૂંફ આપવાના આશયથી જૈન તપગચ્છ સંઘ દરબારગઢ, મોરબી દ્વારા સંચાલિત શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા ફૂટપાથ પર સુતેલા ગરીબોને ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા. ઘરમાં બારી-બારણાં બંધ કરીને બેસેલા લોકો પણ હાલની ઠંડીમાં થરથર કંપી રહ્યા છે ત્યારે ખુલ્લા આસમાન હેઠળ પવનના ભારે સુસવાટા વચ્ચે ઠંડીમાં ઠીંગરતા લોકોએ ધાબળા ગ્રહણ કરી શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.