3જી જુલાઇએ મોરબી ખાતે રઘુવંશી મહાસંમેલન યોજાશે, જલારામ મંદિર ખાતે આગેવાનોની બેઠક મળી મોરબી : વાંકાનેર નગરપાલિકાના લોહાણા સમાજના પ્રમુખને વગર કારણે હટાવવા રાજકીય ખેલ રૂપે નગરપાલિકા સુપરસિડ કરવા નોટિસ ફટકારવામાં આવતા મોરબી જિલ્લાના લોહાણા સમાજમા રોષ ભભૂકી ઉઠ્યો છે. જે અન્વયે આવતીકાલે તા.26ને રવિવારના રોજ વાંકાનેર ખાતે જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન સેજપાલના સમર્થનમાં યોજાનાર મહાસંમેલન યોજવામાં આવ્યું છે જેમાં ઉમટી પડવા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓએ એકસુરે હાંકલ કરી છે. વાંકાનેર નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન સેજપાલને હટાવવા મેલી રાજકીય રમત રમી નગર પાલિકા સુપરસીડ કરવા નોટિસ ફટકારવાની સાથે ભાજપ અગ્રણી એવા જીતુભાઇ સોમાણીની રાજકીય કારકિર્દી ખતમ કરવા કારસો ધડવામાં આવતા સૌરાષ્ટ્રભરના લોહાણા સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ગંભીર મામલે ગઈકાલે મોરબી લોહાણા સમાજની અગત્યની બેઠક મળી હતી જેમાં આવતીકાલે તા.26ના રોજ વાંકાનેર ખાતે અયોજીત મહાસમેલન બોલાવવામાં આવ્યું છે ઉપરાંત આગામી રવિવાર તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી સમાજની વિશાળ કાર તથા બાઈક રેલી ઉપરાંત લોહાણા સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં આવતીકાલે તા.26 જૂનના રોજ વાંકાનેર ખાતે યોજાનાર મહાસંમેલનમાં જવા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ સાંજે 5 કલાકે મોરબી જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. તે ઉપરાંત આગામી તા.૩-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે યોજાનાર કાર તથા બાઈક રેલી સાંજે ૪ વાગ્યે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતેથી પ્રસ્થાન કરશે. ત્યાંથી જુના બસસ્ટેશન - પરાબજાર-શાક માર્કેટ ચોક-ગાંધીચોક-વસંતપ્લોટ-શનાળા રોડ-નવા બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈનરોડ-બાપા સિતારામ ચોક-નરસંગ ટેકરી-રવાપર કેનાલ ચોકડી-લીલાપર કેનાલ રોડ સહીતના શહેરના રાજમાર્ગો પર ફરી વળી લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે. લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત લોહાણા સમાજનું મહાસંમેલન રઘુવંશી ક્રાંતિ મંચના નેજા હેઠળ યોજાશે. મહાસંમેલનમાં ઉમટી પડવા સમસ્ત લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે તાજેતરમાં લોહાણા મહિલા જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવા અંગે નોટીસ ફટકારવામાં આવી છે ત્યારે ઠેર - ઠેર રઘુવંશી સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી માત્ર લોહાણા સમાજ સંચાલિત વાંકાનેર નગરપાલિકાને જ નોટીસ શા માટે? સમસ્ત લોહાણા સમાજના રાજકીય પતન નો કારસો ઘડનાર પદડા પાછળના ખેલાડી કોણ? સહીતના પ્રશ્નોની ચર્ચાએ જોર પકડ્યુ છે ત્યારે વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન તેમજ મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન મોરબી જિલ્લાના રાજકારણમાં નવા જુની સર્જશે તેવું રાજકીય પંડિતોનુ માનવું છે.