સોડા એસના બમણા ભાવ ચૂકવવા છતાં કેમિકલ નથી મળતું : 160 રૂપિયામાં મળતું જિરકોન રૂપિયા 240એ પહોંચ્યું !!! મોરબી : દુબળા ઢોરને બંગાહ જાજી...... કહેવત મોરબીના સિરામીક ઉદ્યોગ માટે બરાબર બંધ બેસી રહી છે. છેલ્લા છ મહિનાથી નેચરલ ગેસના ભાવમાં સતત વધારો હસતા મોઢે સહન કરનાર સિરામીક ઉદ્યોગને મોં માંગી કિંમત ચૂકવવા છતાં કોલસો પણ મળતો નથી... ઉપરથી એક દિવસના પાવર કાપ બાદ સિરામીક ઉદ્યોગ માટે અત્યંત મહત્વના એવા કેમિકલના ભાવમાં છેલ્લા એકથી બે મહિનામાં અસહ્ય ભાવ વધારો થવાની સાથે શોર્ટેજ ઉભી થતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબી સીરામીક ઉદ્યોગમાં માટીથી લઈ અનેક મહત્વપૂર્ણ કેમિકલનો ઉપયોગ થાય છે જેમાં ખાસ કરીને ટાટા કંપનીના સોડા એશની ખુબ જ ખપત રહે છે. આ ઉપરાંત સિલિકેટ, સ્પિરિટ, એસટીપીટી જિરકોન જેવા કેમિકલની મોટાપ્રમાણમાં જરૂરત રહેતી હોય છે.મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં જ સિરામીક ઉદ્યોગમાં વપરાતા કેમિકલના ભાવમાં વધારો થવાની સાથે અછત જોવા મળી રહી છે. વધુમાં વિનોદભાઇએ ઉમેર્યું હતું કે, છ મહિનાના સમયગાળામાં સિરામીક પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાતું સોડા એશ રૂપિયા 20થી 21ના ભાવમાં મળતું હતું જે આજે રૂપિયા 35 ચૂકવવા છતાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એ જ રીતે રૂપિયા 160થી 170માં મળતું જિરકોન આજે રૂપિયા 240 સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત સિલિકેટ, બ્લેડ સ્પિરિટ અને એસટીપીટી સહિતના કેમિકલના ભાવમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, જાયન્ટ ગણાતા સિરામીક ઉદ્યોગમાં ડીઝલ, નેચરલ ગેસ, કોલસો, રો-મટીરીયલ અને અન્ય ભાવ વધારામાં કેમિકલનો ભાવવધારો દબાઈ ગયો છે પરંતુ નાની જરૂરિયાત પણ ખુબ મોટાપ્રમાણમાં હોય નાની-નાની બાબતનો આ ભાવવધારો હવે સીરામીક ઉદ્યોગને ખુબ જ મૂંઝવી રહ્યો હોવૌ ઉદ્યોગકારો જણવી રહ્યા છે.