મોરબી લાતી પ્લોટમાં ગટરના કામમાં પાણીની લાઇન તોડનાર કોન્ટ્રાકટર ચીફ ઓફિસરની ઝપટે ચડ્યો પાઇપ લાઇન ખોદયા બાદ કાટમાળ નાખી લાઈનો બુરી હોવાનું સામે આવ્યું : પાંચ પાંચ મહિના વીતવા છતાં સ્ટ્રોમ વોટરની માત્ર 10થી 15 ટકા જ કામગીરી થઈ ! મોરબી : મોરબીના લાતીપ્લોટમાં ગટરના કામમાં પાણીની લાઇન તોડનાર કોન્ટ્રાકટર ચીફ ઓફિસરની ઝપટે ચડ્યો છે. જેમાં પાંચ પાંચ મહિના વીતવા છતાં સ્ટ્રોમ વોટરની માત્ર 10થી 15 ટકા જ કામગીરી થઈ હોય અને પાઇપ લાઇન ખોદયા બાદ કાટમાળ નાખી લાઈનો બુરી હોવાનું સામે આવ્યું હતું. આથી ગારા કિચડનો રેલો હોય એમ અંતે પાલિકાએ લોટ પાણીને લાકડા જેવું કામ કરનાર કોન્ટ્રાકટરને નોટિસ ફટાકરી છે. મોરબી નગરપાલિકાના લાતીપ્લોટ વિસ્તારના સ્ટ્રોમ વોટરના નબળા કામ કોન્ટ્રાકટ એન્જસી હર્ષદીપ કન્ટ્રક્શન, વઢવાણને નોટિસ ફટાકરી છે. જેમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાએ ગત તા.૧/૨/૨૦૨૨ના રોજ હર્ષદીપ કન્ટ્રક્શનને લાતીપ્લોટમાં વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાના કામનો વર્ક ઓર્ડર આપ્યો હતો. લાતી પ્લોટ હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાનું કામ ચાલુ હોય જેમાં પાઈપ નાખ્યા બાદ યોગ્ય ફિલીંગ કરવાનું થતું હોય પરંતુ કાટમાળ નાખીને ફિલીંગ કરવામાં આવેલ જેના પરીણામ સ્વરૂપે ખોદાણની જગ્યામાંથી માટી/ધૂળ વગેરે બહાર નિકાળતા લાતી પ્લોટ શેરી નં.-૭માં કાદવ કિચડ થઇ ગયેલ છે જેના કારણે વેપારીઓને ખુબજ મુશ્કેલી પડી હતી.લોકોના ટોળા પાલિકાએ આવતા પાલિકાની છબી ખરડાઈ છે. આ કોન્ટ્રાકટરે સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાની કામગીરી કરતી વખતે પાણીની પાઈપ લાઈનો પણ તોડી નાખવામાં આવેલ હોય સ્થાનિકોને ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. આથી નગરપાલિકાએ આ કોન્ટ્રાકટરને યોગ્ય કાર્યવાહી કરવાનું કહેવા છતાં આજદિન સુધી આ પાણીની લાઈન રીપેર કરવા માટે કોઈપણ ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ નથી, નગરપાલિકા સમક્ષ ખોટું બોલી ગેરમાર્ગે દોરેલ છે તેમજ પરિણામ સ્વરૂપે પીવાનું પાણી વેડફાઈ રહ્યું હોઈ અને તે વિસ્તારના નાગરિકોને કાદવાકિયડનો સામનો કરવો પડે છે અને આ વિસ્તારની હાલત કફોડી થયેલ છે. વધુમાં હાલે લાતી પ્લોટ વિસ્તારમાં જે પરીસ્થીતી ઉત્પન થયેલ છે તેની ઘટીત કાર્યવાહી આ કોન્ટ્રાકટર દ્વારા કરવી જોઈએ પરંતુ કોઈ કાર્યવાહી કરેલ નથી તથા ડમ્પર, ટ્રેક્ટર અને જેસીબી પણ પુરા પાડવામાં આવેલ ન હતા જેના પરિણામ સ્વરૂપે ઉપરોક્ત કામગીરી નગરપાલિકા દ્વારા કરવી પડી હતી. આ કોન્ટ્રાકટરને ઓર્ડર આપ્યાને પાંચ માસ જેટલો સમય થયેલ છે તેમ છતા માત્ર ૧૦% થી ૧૫% કામ થયેલ છે જે પણ વ્યાજબી ન ગણી શકાય, આથી લાતીપોલી વિસ્તારમાં ગંભીર બેદરકારી ભરી કામગીરી કરવા બદલ આ કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ ફટકારી છે અને તેમનો કોન્ટ્રાકટ રદ કેમ ન કરવો તેનો ખુલાસો માંગ્યો છે.