ગલ્ફ કન્ટ્રીમાં સિરામિક ટાઇલ્સ બાદ હવે સેનેટરીવેર્સ પ્રોડક્ટમા એન્ટી ડંપિંગ ડ્યુટી લગાવવા તજવીજ મોરબી : મોરબી અને થાનના સેનેટરીવેર્સ ઉદ્યોગ માટે ગલ્ફ કન્ટ્રીમાં વેપાર કરવામાં એન્ટી ડંપિંગ ડ્યુટીના વાદળો ઘેરાયા છે. જીસીસી દેશોએ સિરામિક ટાઇલ્સ બાદ હવે ભારત અને ચીનથી આવતી બાથવેર પ્રોડક્ટ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી લાદવા પ્રક્રિયા શરૂ કરી છે. જો આ પ્રક્રિયા દરમિયાન ભારત સરકાર કે વ્યાપારી સંગઠન દ્વારા વાંધા સુચન રજૂ નહિ કરાય તો એન્ટી ડંપિંગ ડ્યુટી અમલી બનશે પરિણામે વિદેશ વ્યાપારમાં મુશ્કેલી પડશે. મોરબીના ટોચના સિરામિક એક્સપોર્ટસ હાઉસના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી અને થાનના સેનેટરીવેર્સના ઉધોગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબીયા દ્વારા થોડા વર્ષો પહેલા ટાઇલ્સ ઉપર એન્ટીડંપીગ ડ્યુટી લગાવેલ જેમા ગલ્ફના તમામ દેશોમા એન્ટી ડંપિંગ ડયુટી લાગેલ હતી. જો કે, સાંસદની રજુઆત દ્વારા ભારત સરકારના પ્રયત્નો થકી યુએઇ, ઓમાન, કતાર વગેરે દેશોમા એન્ટીડંપીગ ડયુટી લેવાનુ બંધ કરેલ છે અને છેલ્લે ફક્ત સાઉદી અરેબીયા અને બેહરીન દ્વારા જ ડયુટી લાગે છે બાકી દેશોએ એન્ટીડંપીગ ડયુટી લેવાનુ બંધ કરેલ હતું.પરંતુ હવે ફરીથી ભારત અને ચાઇનાના સેનેટરીવેર્સ પ્રોડક્ટ ઉપર એનેટીડંપીંગ લગાવવા માટેની પ્રકીયા શરૂ કરી દેવામા આવી છે. જીસીસીની આ તજવીજ ને પગલે મોરબી અને થાનના ઉદ્યોગોને મોટી નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે. જો આવનાર સમયમા સરકાર મદદ કરે તો જ આ ઉદ્યોગો બચશે નહિતર સેનેટરીવેર્સ ઉદ્યોગો અને કારીગરોને પણ મોટી નુકશાની જશે તેવુ હાલના સંજોગો જોતા જણાઈ રહ્યુ છે.