ઉંટબેટ શામપરમાં વન વિભાગની 1600 વીઘા જમીન માપણીને લઇ વિવાદના એંધાણ : સાથણીદારોની તંત્રને રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં આમરણ ચોવીસી વિસ્તારમાં આવેલી વન વિભાગની 1600 જમીનની માપણી બાદ હદ નિશાન કરવામાં આવતા આ જમીનમાં અનેક સાથણીદારોની જમીન જતી રહેતી હોવાંના કારણે વિવાદ સર્જાયો છે. જો કે, મોરબી આરએફઓ દ્વારા હાલ તમામ સાથણીદારોને પોતાની જમીનની માપણી કરાવી લેવા સૂચના આપી વિવાદ શાંત પાડવા કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. આમરણ ચોવીસીના ઉટબેટ શામપર ગામે રાજયના વનવિભાગ હસ્તકની રેવન્યુ સ.નં.૨૩૨ની સરકારી રાહે માપણી કરી આ જમીન ફરતે નિશાનીરૂપ પથ્થરના ખાંભા ખોડી ૧૬૦૦ વિધા જેટલી જમીન પર વન વિભાગે પોતાની માલિકી હોવાથી વનીકરણની કામગીરી શરૂ કરતા અહીં સાથણીમાં જમીન મેળવનાર ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે. આ જમીનમાં છેલ્લા સમયથી પછાતવર્ગના લોકોને સાથણીમાં જમીન આપવામાં આવી છે પરંતુ સરકારી ચોપડે આ જમીંનની માપણી કરવામાં આવી ન હોય વન વિભાગ હસ્તક આ જમીન બોલી રહી છે. જો કે આ મામલે સાથણીદારો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ મોરબી આરએફઓ ડી.આર.મકવાણાએ જણાવ્યું હતું કે, વનવિભાગ અને ખેડૂતો વચ્ચે કોઈ વિવાદ નથી. હાલમાં ગાંધીનગર વડી કચેરીની સૂચના મુજબ પ્રાથમિક માપણી કરી હદ નિશાન કરવામાં આવ્યા છે અને આ જમીનમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવતા સાથણીદારોને પણ પોતાની જમીનની માપણી કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. જેથી માપણી થયા બાદ માપણી હદ નિશાનનો પ્રશ્ન ઉકેલાય જશે.