10 બાંગ્લાદેશીઓમાં 5 મહિલાઓ, 3 પુરૂષ અને બે બાળકો : પોલીસે તેમના રહેઠાણ સ્થળની તપાસ હાથ ધરીમોરબી : મોરબીના મકનસરમાંથી એસઓજીની ટીમે 10 બાંગ્લાદેશીઓને ડિટેઇન કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આ બાંગ્લાદેશીઓ એકાદ મહિના પૂર્વે જ સુરતથી મોરબી આવ્યા હોવાનું ખુલ્યું છે. વધુમાં પોલીસે તેમના ઘરની તલાશી પણ લીધી છે.તાજેતરમાં પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. પરિણામે સરકારે પાકિસ્તાન સામે એક્શન લેવાનુ શરૂ કર્યું છે. તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે. તેમને પરત પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે ગુજરાત સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. ઉપરાંત ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગલાદેશીઓ વિરૂદ્ધ પણ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી એસઓજી ટીમે મકનસર ગામે ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશીઓને ડિટેઇન કર્યા છે. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મકનસર ગામે તુલસીનગર વિસ્તારના રહેતા હતા. અગાઉ તેઓ સુરત રહેતા હતા. ત્યાંથી માર્ચ મહિનામાં મોરબી આવ્યા હતા. અમુક લોકો મજૂરી કામ કરે છે તો અમુક હજુ કામધંધાની શોધ કરતા હતા. વધુમાં પોલીસે આ બાંગ્લાદેશીઓ જ્યાં રહે છે તે રહેઠાણ સ્થળે જઈ ત્યાં તલાશી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.