સવારે યુવાનનો મૃતદેહ તેના વાહનમાં મળી આવ્યો હતો : પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવ્યુંમોરબી : મોરબીમાં વાવડી ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં આજે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ હત્યાનો હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યુ છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં વાવડી ચોકડી પાસે આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે જાણ થતાં જ એ ડિવિઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રાજેશ કાંતિલાલ જોશી (ઉ.વ. 22) રહે. મુ. ઓડદર (પોરબંદર) હોવાનું તથા આ યુવાન બાલાજી વેફર્સની ફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે આ યુવાન વાહન લઈને નીકળ્યા બાદ આજે આ યુવાનનો મૃતદેહ વાહનમાં મળી આવ્યો હતો. રીક્ષાનો આગળનો કાચ પણ તૂટેલો હતો. આ ઉપરાંત યુવાનના માથાના ભાગે પણ ઇજા જોવા મળી હતી. બીજી તરફ પીએમ રિપોર્ટમાં પણ યુવાનની માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.જેથી પોલીસે નિખિલ શિવલાલભાઈ બારેજિયાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.