કંપની સંચાલકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બિઝનેશ ટુર ઉપર નજર રાખી : ગુજરાતી ભાષા પણ શીખ્યા : ચાર દિવસની કાર્યવાહીમાં કરોડોના બેનામી ટ્રાન્જેક્શન ઝડપાયામોરબી : મોરબીના જાણીતા સિરામિક ઉદ્યોગપતિ લીવા, લેવીસ, મેટ્રો સહિતના ગ્રુપ ઉપર દરોડોમાં કરોડોની કરચોરી ઝડપાઇ છે અને સંભવત: આજે દરોડાની કાર્યવાહી સમેટાઈ રહી છે ત્યારે સિરામિક જગત અને જમીન મકાનના ધંધામા પાંખો ફેલાવનાર લેવીસ ગ્રુપ ઉપર દરોડો પાડતા પેહલા આઇટી અધિકારીઓ સતત આઠ મહિનાથી તેમના ઉપર બાજનજર રાખવાની સાથે બિનહિસાબી વ્યવહારો ઝડપી લેવા અને કમાણીના સ્ત્રોત સાધનો જાણવા ગુજરાતી ભાષા શીખી કંપનીના સંચાલકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બિઝનસ ટુર સહિતની બાબતો ઉપર બારીકાઈથી નજર રાખી મોકો મળતા જ દરોડાનો ચોકો ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજકોટ ઈન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વીંગે વર્ષ 2025માં સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટું કહી શકાય તેવી સર્ચ ઓપરેશન હાથ ધરી એક સાથે ચારેક ડઝન જેટલા સ્થળોએ દરોડા પાડીને મોરબીના લીવા લેવીસ સહિતના ગ્રુપને ત્યાંથી કરોડોની કરચોરી ઝડપવામાં ટીમને સફળતા મળી છે. આ કામગીરીમાં ઇન્કમટેક્સની ઇન્વેસ્ટિગેશન વીંગની ટીમે અગત્યની ભૂમિકા ભજવી છે. મોરબીના લેવીસ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓમાં દરોડા પાડતા પેહલા અધિકારીઓ છેલ્લા આઠ મહિનાની સતત મહેનત કરી રહ્યા હતા અને ફિલ્મી સ્ટાઈલથી ઇન્કમટેક્સના કર્મચારીઓને પણ ફેરવી - ફેરવીને મોરબી લાવી કરચોરોને ભનક ન આવે તે રીતે સામુહિક દરોડાની કાર્યવાહી કરી મેગા રેઇડને સફળ બનાવી હતી.નોંધનીય છે કે, કોઈપણ દરોડા પહેલાં ઇન્કમટેક્સના અધિકારીઓ મહિનાઓ સુધી તપાસ, માહિતી સંગ્રહ અને રેકી કરે છે. મોરબીના સીરામીક ગ્રુપ ઉપર દરોડા પહેલા આઇટી અધિકારીઓએ આવી જ કસરત કરી હતી. ખાસ કરીને મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર, બિલમાં પ્રોફિટ માર્જિન ઓછું બતાવવું અને ટેક્સચોરી જેવા મુદ્દા સામે આવતા આ ઓપરેશન ગોઠવાયું હતું.રાજકોટ. ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે મોરબી અને રાજકોટના સંચાલકોની દૈનિક પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. તેઓ ક્યાં જતાં હતાં, કોને મળતાં હતાં, બિઝનેસ મિટિંગ્સમાં શું ચર્ચા થતી હતી સહિત માઈક્રોડિટેલ એકઠી કરવામાં આવી હતી. સાથે જ મોરબીમા પણ ડેરા તંબુ તાણીને અધિકારીઓએ દિવસ-રાત રેકી ચાલુ રાખી હતી. નોંધનીય છે કે, આઇટીના ચુનંદા અધિકારીઓએ ભાષાકીય અવરોધ દૂર કરવા માટે ગુજરાતી ભાષા પણ શીખી હતી અને સ્થાનિક લોકો અને ગ્રુપના સભ્યો સાથે ગુજરાતીમાં સંવાદ શરૂ કરી અનેક વિગતો એકત્ર કરી હતી. સાથે જ આઇટી વિભાગની ટીમો સિરામિક ગ્રુપના સોશિયલ મીડિયા એકાઉન્ટ, કંપની સંચાલકોના પ્રવાસ, કોનફરન્સ, બિઝનેસ ટ્રીપ જેવી માહિતી માટે ડિજિટલ ટ્રેકિંગ કરી સતત આઠ મહિનાની મહેનતના અંતે આ ઓપરેશન પાર પડ્યું હતું.જ્યારે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે શુક્રવારે સાંજે લેવિસ ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી જરૂરી દસ્તાવેજો અને ડેટા સાથે આઇટીની ટીમો મોરબીથી રવાના થઈ હતી. ચાર દિવસની દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડોના બેનામી ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. સાથે આઇટી વિભાગના હાથે 10 કરોડ જેટલી રોકડ ઝડપાઈ જવાની સાથે વિવિધ બેંકના લોકોરો પણ સીલ કરવામાં આવ્યા હતા.