માળીયા અને હળવદમાં પણ વરસાદ પડ્યો મોરબી : મોરબીમાં ભાદરવો ભરપૂર હોય એમ ગઈકાલેની જેમ આજે મોડી સાંજે અચાનક અંધાધુધ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતા જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હતો. જ્યારે માળીયા અને હળવદમાં પણ વરસાદ પડ્યો હતો. પણ વાંકાનેરમાં વરસાદ નથી. મોરબીમાં આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. શરૂઆતમાં ધીમીધારે બાદ ઓચિંતા વરસાદે વેગ પકડતા થોડીવાર માટે અનરાધાર વરસાદ તૂટી પડતા ચારેકકર પાણી ભરાયા હતા. હાલ મોરબીમાં વરસાદનું જોર ઘટ્યું છે અને એકદમ ધીમીધારે વરસાદ ચાલુ છે. પણ મોરબીમાં લગભગ 20 મિનિટ સુધી મેઘરાજાએ તોફાની ઇનિંગ ખેલી હતી. જ્યારે અન્ય તાલુકાના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ હળવદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. માળીયામાં ધીમીધારે સાંજના છથી 8 દરમિયાન 10 મિમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.જ્યારે વાંકાનેરમાં હાલ વરસાદ ન હોવાનું જાણવા મળ્યું છે.