આઇટી દરોડાની કાર્યવાહી પૂર્ણ : રિપોર્ટ અમદાવાદ મોકલાયોમોરબી : મોરબીમાં લાંબા સમય બાદ સૌથી મોટી કહી શકાય તેવી મેગા રેઇડમાં રાજકોટ ઇન્કમટેક્સની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા લીવા, લેવીસ સહિતના સિરામિક અને બાંધકામ સાથે જોડાયેલા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. મેગા ઓપરેશનના અંતે આવકવેરા વિભાગે 500 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો ઝડપી લેવાની સાથે રૂ.4.5 કરોડની જ્વેલરી અને 11 કરોડની રોકડ સિઝ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા છેલ્લા પાંચ દિવસથી રાજકોટ અને મોરબી સહિત 47 જેટલા સ્થળોએ ઓપરેશન હાથ ધરી મોરબીના જાણીતા મેટ્રો, લીવા અને લેવીસ ગ્રુપને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત સહિત રાજ્યભરની ટીમો જોડાઈ હતી. લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું સફળ અને મેગા ઓપરેશન સુપર ડુપર સાબિત થયું છે.સીરામીક અને જમીન મકાનના ધંધાર્થીને ત્યાંથી આવકવેરા વિભાગની ટીમને ધાર્યા કરતા વધુ કરચોરી મળી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 25 જેટલા લોકરમાંથી 15 લોકર ખોલવામાં આવતા સાડા ચાર કરોડની જ્વેલરી મળી આવતા જવેલરીનું વેલ્યુએશન કરીને સીઝ કરવામાં આવી છે. સાથે જ 11 કરોડની રોકડ પણ મળી આવી હોય સમગ્ર દરોડાની કાર્યવાહીનો રિપોર્ટ તૈયાર કરીને અમદાવાદ ડીજીને મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહયા છે. સાથે જ મોરબીમાં આઇટીના દરોડા પૂર્ણ થતાં આંગડિયા પેઢીના સંચાલકો ઉપરાંત ઉચક જીવે ફફડી રહેલા અનેક સિરામિક ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળે છે.