ઇન્કમટેક્સના દોરોડામા માધવ મગન આંગડિયા પેઢીમાં તપાસ બાદ મોટાભાગનાએ ધંધા બંધ રાખ્યા મોરબી : મોરબી શહેરમાં સીરામીક ઉદ્યોગકારો અને જમીન મકાનના ધંધાર્થીઓને ત્યાં ઇન્કમટેક્સના મેગા દરોડા બાદ ક્રોસ તપાસમાં માધવ મગન આંગડિયા પેઢીમાં પણ તપાસ આવતા ડરના માર્યા મોરબીના તમામ આંગડિયા પેઢીના સંચાલકોએ જોખમ લેવાને બદલે પોતાના ધંધા રોજગાર બંધ રાખતા મોરબીમાં કરોડોના વ્યવહારો અટકી પડ્યા હોવાનું અને જરૂરતવાળા લોકોને રાજકોટના ધક્કા થયા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમટેક્સ દ્વારા લીવા, લેવિસ, મેટ્રો સહિતના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં ધરતી ટાવરમાં આવેલ માધવ મગન નામની આંગડિયા પેઢીમાં ક્રોસ તપાસ કરવામાં આવતા શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા બાદ આંગડિયા પેઢીમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવતા અન્ય આંગડિયા પેઢીઓએ પોતાને ત્યાં ઊડતી ઊડતી ઉપાધિ આવી ન પડે તે માટે પોતાના ધંધા ત્રણ દિવસથી બંધ રાખ્યા છે.ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ધરતી ટાવરમાં 100 જેટલી આંગડિયા પેઢીઓ આવેલી છે. એ જ રીતે ધરતી ટાવર સામેની શેરીમાં પણ મોટા પ્રમાણમાં આંગડિયા પેઢીની ઓફિસ આવેલ હોય આ તમામ આંગડિયા સંચાલકોએ સતત ત્રીજા દિવસે પોતના ધંધા બંધ રાખ્યા હતા. આ ઉપરાંત સામાકાંઠે આવેલ આંગડિયા પેઢીઓએ પણ આઇટીના દરોડાને પગલે વ્યવહાર બંધ રાખતા મોરબીના રોકડના વ્યવહાર અટકી ગયા હોવાનું અને જે લોકોને અરજન્સી હોય તેવા લોકોએ રાજકોટ ખાતેથી આંગડિયા મેળવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.