મૃતકના ભાઈએ બે પાડોશી દંપતી સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે રણની ઢસી વિસ્તારમાં અગરનું કામ કરતા પતિ પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આ બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યું છે. આ પતિ-પત્નીએ પહેલા તેમના બે પાડોશી દંપતીની ચરિત્ર્ય પર શંકા અને ઝગડો તેમજ ત્રાસથી કંટાળીને દવા પી આપઘાત કરી લેતા હોવાનો વીડિયો બનાવીને આ પગલું ભરી લીધું હોવાનું બહાર આવતા હાલ મૃતકના ભાઈએ બે પાડોશી દંપતી સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. ટીકર રણની ઢસી નજીક અગરિયા પરિવારના શૈલેષ નાગરભાઈ અને સરોજબેન શૈલેષભાઈ નામના દંપતિનો ગત તા 8ના રોજ મૃતદેહ મળી આવતા પરિવારના સભ્યોમાં કાળો કલ્પાંત છવાયો હતો. મૃતક દંપતીને ત્રણ સંતાનો હોય ત્રણેય બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવની હળવદ પોલીસની તપાસમાં આ બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યું છે. જેમાં શૌલેષભાઈ નાગરભાઈ સુરાણી અને સરોજબે શૈલેષભાઈ સુરાણીએ બે પાડોશી દંપતીઓના ત્રાસથી કંટાળીને પહેલા વીડિયો બનાવી બાદમાં ઝેરી દવા પીને જીવ દઈ દીધો હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદી મૃતકના નાનાભાઈ રાજુ નાગર સુરાણીએ આરોપી માવજી નાગજી, ચંપાબેન માવજીભાઈ,મુરીબેન નાનજીભાઈ, નાનજીભાઈ જીવાભાઈ,રહે ટીકર સામે ફરિયાદ નોંધાવી હતી કે, આઈપીસી કલમ ૩૦૬,૫૦૪,૧૧૪,મુજબ ફરિયાદીના ભાઈ ભાભી સાથે ભાભી સરોજબેનના ચારિત્ર્ય બાબતે આરોપીઓએ ગાળો આપી ઝગડો તકરાર કરી બંનેને મરવા માટે મજબુર કરતાં આ ફરીયાદીના ભાઈ તથા ભાભીએ ઉપરોક્ત તારીખ સમયે અને જગ્યાએ વિડિયો ક્લીપ બનાવી આરોપીઓનાં માનસિક ત્રાસના કારણે મરવા મજબૂર કરેલ હોવા અગેની ક્લિપ બનાવી બને જણાએ દવા પી લઈ મરવા મજબૂર કર્યા હોય જેથી આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ચારેય સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.