સીલ કરેલા 25 લોકરમાંથી 3 લોકર ખોલવામાં આવતા 50 લાખના દાગીના નીકળ્યા કુલ 47 સ્થળે પાડવામાં આવેલ દરોડામાં 25 ઘર, 5 ઓફિસ તેમજ ફેકટરીઓમાં તપાસ : 800 જીબી જેટલો ડેટા કબ્જે કરાયો મોરબી : મોરબીના જાણીતા લીવા, લેવિસ, મેટ્રો સહિતના સીરામીક ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સના મેગા ઓપરેશનના ત્રીજા દિવસે દરોડામાં કુલ 47 સ્થળોએ તપાસ બાદ 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા. સાથે જ બિનહિસાબી વ્યવહારો જ્યાં થતા હતા તેવા ખાસ ફ્લેટમાંથી ઇન્કમટેક્સ વિભાગે 800 જીબી ડેટા પણ કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે.મોરબીમાં ઇન્કમટેક્સ વિભાગના મેગા ઓપરેશનના ત્રીજા દિવસે પણ સતત તપાસ ચાલુ રાખવામાં આવી છે. જેમાં અમુક ઉધોગકારોએ કર ચોરીની કબૂલાત આપતા હવે આ તપાસ પૂર્ણતા ના આરે પોહચી હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીરામીક ઉદ્યોગકાર દ્વારા જમીન મકાનના ધંધામાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો કર્યા હોવાના ઇન્પુટ્સને આધારે લીવા, લેવિસ, મેટ્રો, ફેસ સહિતના સીરામીક ગ્રુપ અને ઇડનહિલ ગ્રુપને ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાં લેવિસ ગ્રુપના મોટા પ્રમાણમાં થયેલા વ્યવહારો સામે આવતા ઇન્કમટેક્સ દ્વારા કુલ 300 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. સાથે જ રેઇડ દરમિયાન દસેક કરોડની રોકડ કબ્જે લઈ આઇટી વિભાગે કુલ 25 બેન્ક લોકર સીલ કરી દીધા હતા.વધુમાં ઇન્કમટેક્સ દ્વારા સીલ કરવામાં આવેલ લોકર પૈકી 3 લોકર ખોલતા લોકરમાંથી રૂપિયા 50 લાખની જવેલરી મળી આવી હતી. નોંધનીય છે કે, જમીન મકાનના ધંધામાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહાર કરનાર લીવા -લેવિસ ગ્રુપ દ્વારા ઇન્કમટેક્સની નજરથી બચવા એક ફ્લેટ ભાડે રાખી સમગ્ર ધંધાનું સંચાલન ત્યાંથી કરવામાં આવતું હોવાનું સામે આવતા આ ફ્લેટમાંથી આઇટી વિભાગે 800 જીબીનો ડેટા કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. મોરબી અને રાજકોટમાં હાથ ધરાયેલા આ મેગા ઓપરેશન દરમિયાન ઇન્કમટેક્સની ટીમોએ કુલ 47 સ્થળોએ તપાસ કરી હતી જેમાં 25 ઘર, 5 ઓફિસ તેમજ અન્ય ફેકટરીના સ્થળોનો સમાવેશ થાય છે.ઇન્કમટેક્સના વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું કે, મેગા ઓપરેશન લાંબો સમય સુધી ચાલે તેમ હતું પરંતુ હાલમાં અમુક મોટા ઉધોગકારોએ કરચોરી કરી હોવાની કબૂલાત આપી દેતા સંભવત આવતીકાલે સાંજ સુધીમાં નિવેદનો નોંધવાની કાર્યવાહી કરી રેઇડની કાર્યવાહી આટોપી લેવામાં આવનાર હોવાનું અને ઇન્કમટેક્સના અધિકારીઓ સતત ચાર દિવસની મેરેથોન કામગીરી બાદ શનિ-રવીમાં રાહત મેળવી શકે તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.મોરબીમાં ત્રણ દિવસથી આંગડીયા પેઢીઓ બંધસિરામિકની સાથે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મોરબીમાં એક આંગડીયા પેઢીમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેની કાર્યવાહી પણ ત્રણદિવસથી ચાલી રહી હતી. આ દરોડાના પગલે મોરબીની મોટાભાગની આંગડિયા પેઢીઓ છેલ્લા ત્રણ દિવસથી બંધ રહી છે. જેના કારણે અને કંપનીઓના રોકડ વ્યવહારો અટકી પડ્યા છે.