લોકો રોડ-રસ્તા, ગટર જેવા પ્રશ્નોને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ભાજપ લોકોને મુદા ઉપરથી ભટકાવવા ચેલેન્જ- ચેલેન્જની રમત રમી રહી છે : આપના પ્રદેશ પ્રમુખે આપ્યું નિવેદન મોરબી : સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર રાજીનામાં ચેલેન્જને લઈને પ્રથમવાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નહોતી, અને ગોપાલભાઈ કોઈ પણ સંજોગોમાં રાજીનામુ આપશે નહિ. ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે બ્રિજની દુર્ઘટના બને છે અને લાપરવાહીના કારણે કેટલાય લોકો મૃત્યુ પામે છે. આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે. ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. રોડ- રસ્તા, ગટર, પાણીના પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ભાજપ આ બધા મુદ્દાથી લોકોને ભટકાવવા માટે ચેલેન્જ - ચેલેન્જ રમી રહ્યું છે. ભાજપને હું કેવા માંગુ છું કે ચેલેન્જ લેવી હોય તો તમામ ધારાસભ્ય રાજીનામાં આપે, અમે બધી બેઠક ઉપર ચૂંટણી લડવા તૈયાર છીએ. પણ ગોપાલ ઇટાલીયા રાજીનામું નહિ આપે. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલીયા મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યું કે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નહોતી થઈ. ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. ભાજપના નેતાઓને કહેવા માગું છું કે તમારી પાસે ઇનામ આપવા માટે કરોડો રૂપિયા હોય તો તમારા વિસ્તારમાં રોડ - રસ્તાના કામ કરો. તમે આવા કામ કરી શક્યા નથી. એટલે લોકો એવું કહી રહ્યા છે કે અમારે વિસાવદરવાળી કરવી છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલીયાને જીતાવ્યાં છે. ગોપાલભાઈ ઇટાલીયાના રાજીનામાની કોઈ વાત છે જ નહીં અને તેઓ કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે પણ નહીં. ભાજપ વાળા કામ ઉપર ધ્યાન દયો. રાજીનામુ તો ખરેખર મુખ્યમંત્રીએ આપી દેવું જોઈએ. 17 લોકો બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. એની પહેલા 135 લોકોના મૃત્યુ થયા હતા. આટલા કાંડ થઈ રહ્યા છે અને છતાં પણ નિવેદનો આપતા શરમ આવતી નથી. મુદ્દાઓથી ભટકાવવાની કોશિશ કરો છો.