ગેરકાયદે બાંધકામોના રાફડાઓ વચ્ચે અચાનક જ ચીફ ઓફિસર દ્વારા ઈમ્પૅક્ટ ફીનો જૂનો મધપૂડો છંછેડતાં મોટા વિવાદની વકી : કાયમી કર્મચારીને બે દિવસમાં તમામ રેકર્ડ રજૂ કરવા આદેશ મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગનુ હબ બનેલ મોરબી શહેરમાં નગરપાલિકાના આશીર્વાદથી જ ગેરકાયદે બાંધકામો છડેચોક બંધાઈ રહ્યા છે ત્યારે ભુતકાળમાં ઈમ્પૅક્ટ ફી મામલે થયેલી ગેરરીતિઓ ઉપરથી પરદો ઉચકવા નવનિયુક્ત ચીફ ઓફિસરે 8 અને 9માર્ચે સાત દિવસમાં ઈમ્પૅક્ટ ફી વસુલાતનું સઘળું રેકોર્ડ રજૂ કરવા જવાબદાર કર્મચારીઓને તાકીદ કરવા છતાં જવાબદાર કર્મચારીઓ દ્વારા રેકર્ડ રજૂ ન થતા આજે ચીફ ઓફિસર દ્વારા ત્રણ હંગામી, ફિક્સ વેતન કર્મચારીઓની સેવાનો અંત લાવી તાત્કાલિક અસરથી છુટા કરવા આદેશ આપતા નગરપાલિકા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. આજરોજ મોરબી પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ઈમ્પેક્ટ-ફી અધીનીયમ હેઠળ જે ગેરરીતીઓ હાથ ધરાયેલ હતી તેની તપાસ કરી જા.નં.-૪૨૦૮ તા.-૦૮/૦૩/૨૦૨૨ તથા જા.નં.-૪૨૧૭ તા.-૦૯/૦૩/૨૦૨૨ના હુકમથી દિન-૭(સાત)માં તેનો અહેવાલ અત્રેની સમક્ષ રજુ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ આ મામલે જવાબદાર એવા ત્રણ કર્મચારીઓ દ્વારા અક્ષમ્ય બેદરકારી દાખવી નગરપાલિકાની શાખ અને સ્વભંડોળને થઇ રહેલ નુકશાન પહોંચાડ્યાનું જણાવી હંગામી, ફિક્સ વેતન કર્મચારી જયદીપ સોરઠીયા, ધીરુભાઈ સુરેલીયા અને વિવેક દવેની સેવાઓને, કરારને તાત્કાલિક અસરથી અંત લાવવાનો હુકમ કર્યો હતો. વધુમાં ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના કાયમી કર્મચારી વિનુભાઈ બારહટને આ કાર્યાલય આદેશ હેઠળ બે દિવસમાં ઈમ્પેક્ટ-ફી અધિનિયમ હેઠળનું સમગ્ર રેકર્ડ રજુ કરવાનો આદેશ આપી કામમાં વિલંબ બદલ દિન-૩(ત્રણ)માં લેખિતમાં વિલંબ બદલનો ખુલાસો રજુ કરવા આદેશ કરતા નગરપાલિકાના કાયમી કર્મચારીઓમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.