મોરબી : મોરબીના ધુનડા ગામે આધારકાર્ડ માટે કેમ્પ ગોઠવી એક કાર્ડ દીઠ 350 રૂપિયાના ઉઘરાણા થતા હોવાનો મોરબી અપડેટે સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આધારકાર્ડના નામે થતા ઉઘરાણા ગેરકાયદે હોય આમ છતાં ગામડાના ભોળા નાગરિકો પાસેથી થતા ઊઘરાણા તંત્રની નજરે ન ચડ્યા એ એક વિચારવાલાયક મુદ્દો છે. ત્યારે મોરબી અપડેટના સ્ટિંગ ઓપરેશન બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર પ્રકરણની તપાસના આદેશો કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગ્રામ્ય મામલતદારને ઉક્ત કૌભાંડ અંગે તપાસના આદેશ આપવામાં આવતા આવી પ્રવૃત્તિ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાવવા સાથે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે ગ્રામ્ય મામલતદારે તલાટી પાસે આ સંદર્ભે, આધારકાર્ડ કાઢવાની કીટ ક્યાંથી મેળવવામાં આવી હતી અને કોણ કોણ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે સહિતનો સંપૂર્ણ અહેવાલ માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડ કાઢવાની કામગીરી સરકારી કચેરીઓ તેમજ આંગણવાડીમાં પ્રમાણિત થયેલા સેન્ટરો સિવાય અન્યત્ર ક્યાંય કાઢી આપવામાં આવતા નથી. આમ છતાં ધૂનડા ગામે રોકડ રકમ લઈને આધારકાર્ડ કાઢવાનો કેમ્પ કોણે અને કોની મંજૂરીથી ગોઠવ્યો હતો એ સવાલનો જવાબ શોધવા હાલ તંત્રની કવાયત શરૂ થઈ છે. નિઃશુલ્ક કાઢી આપવામાં આવતા આધારકાર્ડ માટે ઊઘરાણા કરતા તત્વો કોની શેહથી ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા એની તપાસ માટે મામલતદાર ગ્રામ્ય ડી.જે. જાડેજા આદેશો કર્યા છે અને કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવુ જણાવ્યું છે.