સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત ટંકારા : હાલમા કોરોના મહામારીનો જે બીજો સ્ટ્રેઇન મોરબી જિલ્લા માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો હોય તાકિદે કોરોના નાથવા પ્રાથમિક ધોરણે યોગ્ય વ્યવસ્થા જ સાચું હથીયાર હોય તાકીદે ટંકારા તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના ૪૨ જેટલાં ગામડાઓ હોય અને દરેક ગામોમા કોરોનાએ પગ પેસારો કરેલ છે અને અનેક માનવ જીંદગીને ભરખી ગયો હોય ત્યારે ટંકારા તાલુકામા સીવીલ હોસ્પિટલમાં ઉપચારના કોઈ જ સાધનો કે નિષ્ણાત એમ. ડી. દરજ્જાના ડોક્ટરની ટીમ ના હોય જેથી ૪૨ ગામનાં પીડીત દર્દીને મોરબી,રાજકોટ કે જામનગર વધું સારવાર માટે જાવું પડતું હોય તેથી સારવાર મળે તે પહેલાં જ દર્દી અનંતની વાટ પકડી લે છે. હાલ આખા ટંકારા તાલુકાના લોકોને કોરોના બીમારી ભરડામાં લે તે પૂર્વે તાત્કાલીક યુદ્ધનાં ધોરણે કોવીડ કેર સેન્ટરની વ્યવસ્થા કરવા તેમજ ટંકારા તાલુકામાં વર્ષોથી એમ.ડી. ડોકટરની ખાલી પડેલી જગ્યા હંગામી અથવા કાયમીના ધોરણે તાત્કાલીક ભરતી કરી ટંકારા તાલુકાને કોરોના નામના રાક્ષસ રૂપી બિમારીથી બચાવવાં યોગ્ય વ્યવસ્થા કરવા અંતમાં સામાજીક કાર્યકર હેમંતભાઇ ચાવડાએ માંગ ઉઠાવી છે.