ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગામમાં ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરવા અંગે તથા વીરપરથી રાજપર ગામને જોડતા ગાડા માર્ગને પાકો ડામર રોડ બનાવવા અંગે વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી-રાજકોટ હાઈવે ઉપર આવેલ ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ મીની ઓવરબ્રીજની કામગીરી 90% થી વધારે પુરી થઈ ગઈ છે. બાકીની કામગીરી છેલ્લા ઘણાં સમયથી કામગીરી બંધ છે. તો વહેલી તકે પૂર્ણ કરાવવા અપીલ કરાઈ છે. જેથી, ઓવરબ્રીજની બંને તરફ વાહન આવન-જાવન કરી શકાય. હાલ ચોમાસાને લીધે આ રસ્તા પર ખુબ જ મુશ્કેલી પડે છે. તેમજ અકસ્માત થવાની સંભાવના પણ વધે છે. જેથી, માર્ગ અને મકાન વિભાગને જરૂરી સુચના આપી ઓવરબ્રીજની કામગીરી પુરી કરાવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાનાં વીરપર-રાજપર ગામને જોડતો રસ્તો હાલ ગાડા માર્ગ છે. જો બંને ગામને જોડતો પાકો રસ્તો ડામર રોડ બને તો જન સુવિધામાં વધારો થશે. બંને ગામમાંથી સીધા જ વાહન વ્યવહાર થઈ શકે તેમજ આ રોડ બનવાથી બાયપાસ સુવિધા મળશે જે જરૂરી છે. અને અકસ્માતનું પ્રમાણ ઘટશે. જેથી, આ રજુઆત ધ્યાને લઈને મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાનાં વીરપર (મચ્છુ)થી રાજપર ગામને જોડતો પાકો ડામર રોડ બને તે માટે પગલાં લેવા અપીલ કરાઈ છે.