હાલ કોરોનાનું સંકટ હોય દૂષિત પાણીથી જન આરોગ્ય ન જોખમાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની ચીફ ઓફિસર સમક્ષ માંગ કરાઈ મોરબી : મોરબીમાં કોરોનાના સંકટ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી એકદમ પીળાશયુક્ત દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી જનઆરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. આ મામલે તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે કોરોનાના સંકટ વચ્ચે દૂષિત પાણીથી રોગચાળો ન ફેલાય તે માટે ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. મોરબીવાસીઓના હિત માટે હરહમેશ અગ્રેસર રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે કે કોરોનાના સંકટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં એકદમ પીળાશયુક્ત દૂષિત પાણી આવી રહ્યું છે. આ પાણી દુર્ગધ પણ મારે છે. આ પાણી જનઆરોગ્ય માટે ખૂબ જોખમરૂપ છે. જ્યારે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છુ-2 ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને પાણી હમણાંથી દૂષિત આવી રહ્યું છે. હાલના કોરોનાના સંકટ વચ્ચે આ પાણીથી ગંભીર રોગચાળો વકરી શકે એમ છે. તેથી, તાત્કાલિક મોરબી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પાણી મળે તેવી કાર્યવાહી કરવી જરૂરી બની છે. જોકે પાલિકા તંત્ર આ મામલે ગંભીર બનીને કાર્યવાહી કરી રહ્યું છે. અને આ સમસ્યાના ઉકેલ માટે આવશ્યકતા જણાય તો જરૂરી તમામ પ્રકારનો સહયોગ આપવાની યંગ ઇન્ડિયા ગ્રુપે તૈયારી દર્શાવી છે. માટે જેમ બને તેમ વહેલી તકે લોકોના આરોગ્યની સુખાકારીનો ગંભીર પ્રશ્ન હલ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની આ સંસ્થાએ માંગ કરી છે.