મોરબી : મોરબી શહેરની વચ્ચેથી મચ્છુ નદી પસાર થાય છે. આ મચ્છુ નદી ઉપર સૌરાષ્ટ્રની શાન અને ગુજરાતની અજાયબી એવો ઝૂલતો પુલ આવેલો છે. નદી કાંઠે દરબારગઢ અને મુંબઈના મરીન ડ્રાઈવ જેવો મોરબીનો મરીન ડ્રાઈવ કહેવાતા આ વિસ્તારમાં અમદાવાદની સાબરમતી નદી પર તૈયાર કરેલા રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવાની શ્રી સેતુ બંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. મોરબીના સામા કાંઠે લખધીરજી એન્જીનિયરીંગ કોલેજ તેમજ મહાપ્રભુજીની બઠેક આવેલી છે. તે ઉપરાંત BAPS દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગંદકીથી ખડબદતી નદીને સ્વચ્છ કરાવીને મોરબીની સુંદરતામાં વધારો કરી શકાય તેમ છે એવું કે.ડી. બાવરવાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે. મચ્છુ નદી હાલમાં ગટરના પાણીથી દૂષિત થયેલી છે. જેના કારણે આ બને કાંઠાની સુંદરતા લોકો માણી શકતા નથી. વળી ગંદી નદીને કારણે હંમેશા રોગચાળાનો ભય ફેલાયેલો રહે છે. આ નદી હાલ મચ્છર ઉત્તપ્તિ કેન્દ્ર બની રહી છે. ત્યારે મોરબીની મચ્છુ નદીને બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવીને તેની સુંદરતા વધારો કરવા તેમજ લોકોને એક ફરવા લાયક સ્થળ મળે તેવું કરવા યોગ્ય આદેશો કરવા તેમજ બજેટ ફાળવવા કે.ડી.બાવરવાએ રજુઆત કરી છે. જો આ પ્રોજેકટ અમલમાં મુકાય તો ઔદ્યોગિક નગરીને સૌરાષ્ટ્રના પેરીસ તરીકેની તેની જૂની ઓળખ પાછી મળશે એમાં કોઈ બેમત નથી.