મોરબી : મોરબી જિલ્લામા રોડ- રસ્તાની હાલત બિસ્માર હોવાથી પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને તાકીદે નવા રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. આ રજુઆતમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, રાજુભાઇ ભંભાણી અને જગદીશ ભાંભોણીયા દ્વારા જણાવાયું હતું કે મોરબી પાલિકાની હદમાં આવતા કલેક્ટર બંગલો, ચિત્રકુટ સિનેમા પાસે, નૂતન ગરબી ચોક, વાવડી રોડ, રવાપર રોડ, સરકારી હોસ્પિટલ રોડ, ગાંધીચોક, પાડાપૂલ, નગરદરવાજા, સરદારબાગ સહિતના વિસ્તારના રોડ જર્જરિત થઈ ગયા છે. મોરબી પાલિકા એ ગ્રેડનો દરજ્જો ધરાવે છે. ત્યારે પાલિકાની આવી બેદરકારીના કારણે પ્રજાને હાલાકીનો સામનો ભોગવવો પડે છે. વધુમાં જણાવાયું હતું કે દર વખતે સરકાર તરફથી આવતી મોટી મોટી ગ્રાન્ટ ચાઉ થઈ જાય છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.