મોરબી : શક્ત શનાળાના ગ્રામજનોએ ગામ નજીક ભારે ટ્રાફિકને લઈને પડતી મુશ્કેલી નિવારવા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. મોરબી-રાજકોટ વચ્ચે ચાલી રહેલી ફોરટ્રેકની કામગીરીને લઈને શક્ત શનાળા ગામ નજીક ભારે ટ્રાફિકથી સર્જાતી અવ્યવસ્થા અને સતત રહેતા અકસ્માતના ભયને લઈને સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવવામાં આવ્યું હતુ. જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનમાં સ્થાનિકોએ જણાવ્યું હતુ કે મોરબી-રાજકોટ વચ્ચે ચાલી રહેલી ફોરટ્રેકની કામગીરીને લઈને કરાયેલા અણઘડ આયોજનના કારણે શક્ત શનાળા પાસે સવારથી રાત્રી દરમ્યાન ભારે ટ્રાફિક રહે છે. મોરબી બાયપાસથી રાજપર ચોકડી સુધીના રસ્તે ટ્રાફિકજામની સમસ્યા દિવસ દરમ્યાન સર્જાતી રહે છે. શક્તિ માતાજીના મંદિર વાળા વિસ્તારના પછાતવર્ગના બાળકો સામેના પ્લોટ વિસ્તારમાં અભ્યાસાર્થે જતા હોય તેઓ પર અકસ્માતનુ સંકટ વાલીઓને ચિંતાગ્રસ્ત રાખે છે. વળી શક્તિ માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ભારે સંખ્યામાં આવતા હોય તેઓ ઉપર પણ અકસ્માતનો ભય સતત ઝળુંબતો રહે છે. આથી આ સમસ્યા પ્રત્યે ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ત્વરિત યોગ્ય કરવા સ્થાનિકોએ માંગણી કરી છે.