ઉપરથી જોરદાર પ્રેસર આવતા મોરબીમાં ઠેક ઠેકાણે પાનની દુકાનો ઉપર વેચાતા કેફી પીણા ડીલર્સ પરત લઈ ગયા મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં ઘોડા, ડબલ ઘોડા, સુનીંદ્રા સહિતના રૂપકડા નામે વેચાતા આયુર્વેદિક નશીલા પીણા અચાનક જ બજારમાંથી અદ્રશ્ય થઇ ગયા છે, મોરબી સહિતના જિલ્લામાં નશીલા આયુર્વેદિક ટોનિકના ડીલર્સ ગત અઠવાડિયે મેદાનમાં આવ્યા હતા અને રાતો રાત તમામ દુકાનો ઉપર જઈ સેલ્સમેન મારફતે કેફી પીણાંની બોટલ પરત વેપારીઓ પાસેથી મેળવી જ્યાં સુધી લીલીઝંડી ન મળે ત્યાં સુધી આવા પીણાં વેપારી પાસે હોય તો પણ ન વેચવા તાકીદ કરી હતી. બીજી તરફ અત્યાર સુધી નશીલા કારોબાર તરફ નજર ન નાખતી પોલીસ પણ સક્રિય બની છે અને રાજકોટમાં આવો 70 લાખનો શંકાસ્પદ જથ્થો પોલીસે કબ્જે કર્યાનું જાણવા મળે છે. મોરબી સહીત રાજ્યભરમાં આયુર્વેદિક ટોનિકના નામે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ એટલે કે નશીલા પદાર્થનો ધીકતો ધંધો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જો કે, આ નશીલા કાળા કારોબાર ઉપર ન તો ફૂડ એન્ડ ડ્રગ્સ કે ન તો પોલીસ પગલાં લેતી હોય સમયાંતરે માર્કેટમાં એક પછી એક અનેક બ્રાન્ડના કેફી પીણાં પાનની દુકાને ખુલ્લેઆમ મળતા થયા છે તેવામાં હાલમાં ઉપરથી પ્રેસર આવતા મોરબી શહેરમાં તેમજ હાઇવે ઉપર આવેલી તમામ પાનની દુકાનોએ જ્યાં જ્યાં આ નશીલા પદાર્થ વેચવામાં આવતા હતા ત્યાં નશીલા પીણાંના ડીલર્સના સેલ્સમેનો દ્વારા છેલ્લા અઠવાડિયામાં તમામ જથ્થો પરત ખેંચી લઈ દરેક પાન વાળાને આવા પીણાં પડ્યા હોય તો પણ ન વેહેચવા તાકીદ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ માર્કેટમાંથી એક જ ઝાટકે આયુર્વેદિક ઘોડા, ડબલ ઘોડા, સુનીંદ્રા સહિતના કેફી પીણાં ગાયબ થઇ જતા આ પીણાંના બંધાણીઓ તકલીફમાં મુકાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, દરમિયાન રાજકોટ પોલીસે આવા આયુર્વેદિક નશીલા પીણાનો 70 લાખનો માતબર જથ્થો ઝડપી લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.