મોરબી : મોરબી તાલુકામાં આવેલ શનાળા PGVCLની ઓફિસમાં છેલ્લા અઠવાડિયાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. ઓફિસમાં મોટાભાગનું કામ ઓનલાઇન થતું હોવાથી તે કામો ઠપ્પ થઇ ગયા છે. આ સમસ્યાના કારણે ગ્રાહકોએ પરેશાનીનો ભોગ બનવું પડે છે. મોરબી તાલુકાના નારણકા ગામમાં રહેતા પ્રવિણભાઈ જીવરાજભાઈ મોરડીયાએ ઘર વપરાશ માટે નવા મીટરના રૂપિયા ભરવા માટે શનાળા PGVCLની ઓફિસમાં બે વખત ધક્કા ખાઘા હતા. પરંતુ ઇન્ટરનેટની સમસ્યા હોવાથી તેઓનું કામ થઇ શક્યું ના હતું. આમ, આશરે 8-10 દિવસથી ઈન્ટરનેટના ધાંધિયા હોવાથી ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. આ સમસ્યાની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આ મામલા અંગે શનાળા PGVCL કચેરીના અધિકારીએ જણાવ્યું છે કે ઓફિસમાં BSNLના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં શનાળાની આજુબાજુના વિસ્તારમાં BSNL દ્વારા નેટવર્ક અંગેનું કોઈ કામ ચાલે છે. જેના કારણે BSNLમાંથી જ કનેક્શન કટ કરવામાં આવ્યું છે. આગામી 1-2 દિવસમાં ફરી કનેક્ટિવિટી આવી જશે, તેવી સંભાવના છે.