મોરબી : વિશ્વભરમાં દર વર્ષે તા. ર૦મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવાય છે. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં પબ્લિક ટુ પબ્લિક કોન્ટેક્ટ વધે અને વૈશ્વિક એકતાની ભાવના ઊભી થાય, તે ઉપરાંત, અવિરત વિકાસ, ગરીબી નિર્મુલન અને બીમારીઓ સામે લડત આપી શકાય તેવા ઉદૃેશ્યોથી આ ઉજવણી થાય છે.આ દિવસે વિવિધ દેશોમાં વ્યાખ્યાનો, જૂથ ચર્ચાઓ, વર્કશોપ, સમારોહ તથા ચિત્ર પ્રદર્શનો યોજાતા હોય છે. વિશ્વભરમાં શાંતિ, ભાઈચારો, પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ વહેતો થાય, તે માટે યોજાતા કાર્યક્રમોમાં અગ્રગણ્ય નેતાઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો, બુદ્ધિજીવીઓ ઉપરાંત કથાકારો, સાધુ-સંધો તથા સેલિબ્રિટીસ પણ જોડાતા હોય છે.ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં તો 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવના પ્રાચીન કાળથી જ છે. એટલે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ મુજબ 'સર્વત્રઃ સુખિના સન્તૂ સર્વે સન્તૂ નિરામયા'ના મંત્ર અનુસાર વિશ્વ બંધુત્વની ભાવના હજારો વર્ષો પહેલાથી જ પ્રજ્જવલિત છે. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તા. 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ પર કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસનો ઇતિહાસ સંયુકત રાષ્ટ્ર સંઘમાં વર્ષ 2005માં 20 ડિસેમ્બરે 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ'ની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 22 ડિસેમ્બર, 2005ના રોજ ઠરાવ દ્વારા માનવ અધિકારોને એકતાના મૂળભૂત અને સાર્વત્રિક અધિકારો તરીકે માન્યતા આપી છે. આ સંદર્ભમાં દર વર્ષે 20મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી કરાય છે. વિકાસશીલ દેશોમાં સહકાર, સમાનતા અને સામાજિક ન્યાય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની કામગીરી પર આ દિવસે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. વિશ્વના દેશોમાં વૈશ્વિક એકતાની ભાવના લાવવાના પ્રયાસના ભાગરૂપે દિવસની ઉજવણી કરાય છે.