ખેતીના ટ્રેક્ટરોમાંથી બેટરીઓની ચોરી કરતી ગેંગને નાથવામાં પોલીસ નિષ્ફળ: છેલ્લા બે માસથી ખેતીના ટ્રેક્ટરોમાંથી બેટરીની ચોરીના વધતા બનાવોથી ગ્રામજનોમાં આક્રોશ મોરબી : મોરબી અને માળીયા પંથકમાં છેલ્લા બે માસથી બેટરી ચોરીના બનાવો વધી રહ્યા છે. રોજે રોજ અલગ-અલગ ગામોમાં તસ્કરો ટ્રેક્ટરની બેટરીની ચોરી કરી રહ્યા છે. ગત રાત્રીના માળીયા તાલુકાના બોડકી ગામે પણ આ તસ્કરો બેટરી ચોરવામાં કામયાબ રહ્યા હતા. ખેતીના ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી કરતી ગેંગને નાથવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ આ ચોરીનો બનાવો ઉતરોતર વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા તાલુકાના બોડકી ગામે ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ ગામમાંથી ચાર જેટલા ટ્રેક્ટરરોની બેટરી ચોરી ગયા હતા. જો કે ટ્રેક્ટરમાંથી બેટરી ચોરીનો આ બનાવ પ્રથમ નથી. જેમાં મોરબી અને માળીયાના અનેક ગામોમાં ટ્રેક્ટરોમાંથી બોટરી ચોરીના અનેક બનાવો બન્યા છે. મોરબીના બગથળા, ખારેચિયા, સરવડ, કૃષ્ણાનગર સહિતના ગામોમાં ટ્રેક્ટરોમાંથી બેટરી ચોરી થઈ ચૂકી છે ત્યારે ગ્રામજનો પોલીસ પાસે આ અંગે ફરિયાદ પણ કરવા જાય છે. પરંતુ પોલીસે આ બાબતમાં કોઈ રસ ન હોય તેમ માત્ર આ બનાવની અરજી સ્વીકારીને રાબેતા મુજબ તપાસ ચલાવે છે અને ટ્રેક્ટરોમાંથી બેટરીઓનો ચોરી વધતી હોવાથી લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. આટલા દિવસોથી ખેતીના ટ્રેક્ટરોમાંથી સ્પેર સ્પાર્ટ્સની ચોરી થઈ રહી હોવા છતાં કેમ આજ દિન સુધી પોલીસ આ ગેંગને પકડવામાં નિષ્ફળ રહી છે/ કેમ હજુ સુધી આ ચોરીના બનાવને પોલીસ ઉકેલી નથી શકતું? તેવા સવાલો ઉઠ્યા છે. માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. ગિરીશભાઈ વાણીયાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના તમામ વિસ્તારમાં પેટ્રોલીગ ચાલુ છે, માળીયા પોલીસ સ્ટેશનના છેવાડાના વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરીયે છીએ. આ તસ્કરોને પકડવા અને બેટરી ચોરીના બનાવોને રોકવા બનતી કોશિશ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જ્યારે બોડકી ગામના ખેડૂત મહાદેવભાઈ સુવારીયાએ જણાવ્યું હતું કે સવારે જોયું ત્યારે ખબર પડી કે ટ્રેક્ટરની બેટરી ચોરાઈ ગઈ છે. રાતના બાર વાગ્યા સુધી તો અમે જાગતા હતા. ક્યારે ચોરી થઈ છે ખ્યાલ પણ ન આવ્યો. ખૂબ ચાલાકીથી તસ્કરો ટ્રેક્ટરની બેટરી ઉઠાવી ગયા છે. સવારે ખેતર જાવા માટે જ્યારે ટ્રેક્ટરની સેલ્ફ લગાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ટ્રેક્ટરની બેટરી તો રાતે ચોરાઈ ગઈ છે. તેમજ આ ગામના અન્ય ખેડૂત ભરતભાઈ સુવારીયા જણાવ્યું હતું કે બેટરીનું બોક્સ બારે રસ્તા પર પડ્યું હતું. સવારે ઉઠ્યો ત્યારે બહાર લોકો બધાના ટ્રેક્ટરરોની તાપસ કરતા હતા ત્યારે મેં જોયું તો ખ્યાલ આવ્યો કે મારા ટ્રેક્ટરની બેટરી પણ ચોરાય ગઈ છે. ટ્રેક્ટરની બેટરી ઉઠાવી બેટરીનું બૉક્સ રોડ પર ફેંકી દીધું હતું બાદમાં બધા ભેગા થઈ માળીયા પોલીસ મથકે ફરિયાદ કરી છે.