હાલ ડેમ 50 ટકા ભરાયેલો છે, જુના 18 અને નવા 20 મળીને કુલ 38 દરવાજા મોરબીઃ મોરબીની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-2 ડેમનો ઈતિહાસ ઘણો ઉતાર ચઢાવ ભર્યો રહ્યો છે. વર્ષ 1979માં આવેલી મચ્છુ હોનારતની દર્દનાક ઘટના આજે યાદ કરીએ ત્યારે રુંવાડા ઉભા થઈ જાય છે. જે પોષતું તે જ મારતું તે ઉક્તિ પ્રમાણે મોરબીનો તારણહાર ગણાતો મોરબીનો મચ્છુ-2 ડેમે વર્ષ 1979માં એકઝાટકે મોરબીને તબાહ કરી નાખ્યું હતું અને મોરબીના ઇતિહાસમાં સૌથી ગોઝારી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય દુર્ઘટના પૈકીની એક મોરબીની મચ્છુ જળ હોનારતે વિનાશ સર્જ્યો હતો. જો કે મોરબીના લોકોની ખુમારીએ એવા પ્રાણ ફૂંક્યા કે મોરબી સ્મશાનની રાખમાંથી બેઠું થઈ ગયું. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ત્રીજા નંબરનો મચ્છુ ડેમ 1979માં તૂટ્યો ત્યારે 18 દરવાજા હતા. ડેમ તૂટ્યા બાદ થોડા વર્ષોમાં નવો મહાકાય અને મજબૂત ડેમ બનાવનું કામ શરૂ થયું અને 1989માં આ મચ્છુ ડેમનું કામ પૂરું થયું. જ્યારે 1990માં પ્રથમ વખત આ ડેમ અડધો ભરાયો અને 1991માં પ્રથમ વખત ડેમ સંપૂર્ણ ભરાયો. આ 1991થી વર્ષ 2022 સુધીમાં 18મી વખત આ ડેમ છલકાઈ ચુક્યો છે. મચ્છુ-2 ડેમની ઉંડાઈ 33 ફૂટની છે. આ ડેમ 23.70 ફૂટે પાણીની સપાટી પહોંચતા હાલ આ ડેમ 50 ટકા જેટલો ભરાયેલો છે. આ ડેમમાં 3104 MCFTનો જળ જથ્થો સમાઈ શકે એમ હોય એમાંથી હાલ 1530 MCFT પાણી છે. આ ડેમના કુલ 38 દરવાજામાં 18 જુના અને 20 નવા દરવાજા છે. આ હિલોળા લેતા નીર જાણે કહી રહ્યા કે વિનાશ બાદ વિકાસ જ મચ્છુનું ખમીર ગણાય છે.