પોલીસે કહ્યું કે, કેશિયરને ખબર જ નથી કે, લૂંટારુઓ કઈ ગાડીમાં આવ્યા અને કઈ તરફ નાસ્યા ! ! હાલ ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવવાની પોલીસની કવાયત મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવ્યાની ઘટનામાં પોલીસે હાલ કેશિયરની ઉડી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે, કેશિયરને ખબર જ નથી કે, લૂંટારુઓ કઈ ગાડીમાં આવ્યા અને કઈ તરફ નાસ્યા એટલે કેશિયર સહિત અન્ય શકમંદોની પણ પૂછપરછ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હાલ ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવવાની પોલીસની કવાયત હાથ ધરી છે. મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામના રહેવાસી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી ગત સાંજે પોણા આઠેક વાગ્યાના સુમારે તેઓ ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયા હતા. અજાણ્યા ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા માણસો લૂંટને અંજામ આપી નાસી જતા ઘટનાની જાણ થતાં તુરત જ મોરબી તાલુકા, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચારે તરફ જિલ્લામાં નાકા બંધી કરી ચંદ્રેશભાઈની ફરિયાદને આધારે રૂ.29 લાખની લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાનસિંહ વાળાએ આ ઘટનામાં ફરિયાદી અને ભોગ બનનાર કેશિયરની કેવી ભૂમિકા છે તે સવાલના જવાબમાં કહ્યું હતું કે, હાલ આ વિશે કઈ કહી શકાય એમ નથી. આ અંગે તપાસ ચાલુ છે અને કેશિયરની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. તમામ પાસાઓના આધારે તપાસ ચાલી રહી છે. આ ઘટનાની કોઈ કડી હાલ મળી જ નથી. કારણ કે, કેશિયરને જ ખબર નથી કે કઈ ગાડી હતી કેવા કલરની કે નંબર સહિતની તેની પાસે કોઈ માહિતી જ નથી. આ કલરની ગાડી હતી એવી કોઈ હિન્ટ આપે તો એ દિશામાં તપાસ થઈ શકે, પણ કેશિયર કહે છે કે મને કંઈ ખબર જ નથી કઈ ગાડીમાં એ લોકો આવ્યા હતા.ગાડી પહેલા ભટકાડી અને ત્રણ જણાએ માર મારીને લૂંટ ચલાવી હોવાથી પોતાને કઈ ખબર જ હોવાનું કહે છે. તપાસ બધી દિશામાં ચાલુ છે. જેની પણ સંડોવણી ખુલે તેની તપાસ કરવામાં આવશે. પણ થોડું ઘણું પિક્ચર કિલિયર થાય તો આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય. એટલે આ ઘટના ખરેખર બની કે કે તે જાણવા માટે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ થઈ રહી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવાની તપાસ ચાલી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.