માલદીવ ફરવા ગયા અને હોટેલમાં ક્વોરેન્ટાઇન થતા વીમાકંપનીએ ખર્ચ ચૂકવવા નનૈયો ભણતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે લડત આપી મોરબી : રાજકોટના તબીબ અને તેમના પત્ની ટ્રાવેલ્સ વીમા પોલિસી સાથે માલદીવ ફરવા ગયા બાદ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં જગ્યાના અભાવે ખાનગી રિસોર્ટમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવતા ખર્ચની રકમ ચુકવવામાં નનૈયો ભણી દેનાર વીમા કંપની વિરુદ્ધ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે કાનૂની લડત આપતા ગ્રાહક અદાલતે દંપતીને ખર્ચના નાણાં વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરી વીમા કંપનીને ફટકાર લગાવી છે.આ કેસની વિગત જોઈએ તો રાજકોટના રહેવાસી તબીબ ડો.કલ્પેશભાઈ કાવર અને તેમના પત્ની પંડિતબેન કાવર વર્ષ-2022માં માલદીવ ફરવા જતા એસીકેઓ (ACKO) જનરલ ઇન્શ્યુરન્સ કંપનીમાંથી ટ્રાવેલ વીમો મેળવ્યો હતો. જે તે સમયના નિયમ મુજબ તેઓ કોરોના રિપોર્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ આવતા માલદીવ ગયા હતા જ્યાં કોરોના પોઝિટિવ આવતા માલદીવની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા પરંતુ જગ્યાના અભાવે તેઓને ખાનગી રિસોર્ટમાં કોરેન્ટાઇન કરવાં આવતા વીમા કંપનીએ કોરોના સારવારનો ખર્ચ આપવા ઇન્કાર કરી દેતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફટકાર લગાવી ડો.કલ્પેશ કાવરને રૂ.217737 અને તેમના પત્ની પંડિતબેનને રૂ.158956 છ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરી ખર્ચના વધારાના દસ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો.