ભાવનગરના લીગ્નાઈટને બદલે માતાના મઢના લિગ્નાઇટનો કવોટો વધારી આપવા એસોસિએશનની જીએમડીસીને રજુઆતમોરબી : એક સમયે મોરબી જિલ્લાને નામના અપાવનાર નળિયા ઉદ્યોગ સમયનો માર પડ્યે હાલ મરણપથારીએ પહોંચ્યો છે. તેમાય આ ઉદ્યોગને લીગ્નાઈટનો કવોટો ઘટતો હોય જેથી ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને એસોસિએશને લિગ્નાઇટનો ક્વોટા વધારવાની માંગ કરી છે. મોરબી રૂકીંગ ટાઈલ્સ મેન્યુ. એસો.એ જીએમડીસીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે રૂફીંગ ટાઈલ્સ એટલે કે નળીયાના કારખાનાના ૩૦ જેટલા જ યુનિટ હાલ ચાલુ છે. અને તે તમામ યુનિટનો જી.એમ.ડી.સી. દ્વારા લીગ્નાઈટનો કવોટો પુરો પાડવામાં આવે છે. જે કવોટો વધારી આપવા માટે અવાર-નવાર રજુઆત કરેલી તેમજ જી.એમ.ડી.સી. ની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં રૂફીંગ ટાઈલ્સનાં તમામ યુનિટોના માલીક સાથે રૂબરૂ વિઝીટ પણ કરવામાં આવી હતી. તે દરમિયાન તમામ યુનિટોના માલીક, પાર્ટનર સાથે મહિનામા લીગ્નાઈટના કવોટો કેટલો જોઈએ તે અંગે રૂબરૂ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરાઈ હતી. જેમાં રૂફીંગ યુનિટના તમામ માલિક, પાર્ટનર દ્વારા પુરા મહિનામાં ૧૦ થી ૧૨ ગાડી લીગ્નાઈટની જરૂરીયાત હોવાનું જણાવેલ હતું. જે અંગેનો વિઝીટ રીપોર્ટ જાની સાહેબે સને. ૨૦૨૨ માં રજુ કરેલો હતો. તે રીપોર્ટને ધ્યાને લઈને રૂકીંગ ટાઈલ્સના તમામ યુનિટોને કવોટો વધારી આપવા માંગ છે. તેમજ ભાવનગરનો લીગ્નાઈટ ખુબ જ હલકી ગુણવતાવાળો હોય તથા ભઠ્ઠીમાં ટેમ્પરેચર પુરૂ પાડતું ન હોવાથી નળીયા સારી રીતે પાકતા ન હોવાથી નળીયાનો ભંગાર વધારે થઈ જાય છે, જેની નુકશાની તમામ યુનિટોને જાય છે. જેથી ભાવનગરનો કવોટો બંધ કરી તેની બદલે માતાના મઢનો કવોટો વધારી આપવામાં આવે તેવી માંગ છે.