હજુ 8થી 10 પાટીદારોની જમીન ગુંડાઓના હાથમાં, મુખ્યમંત્રી આવી રહ્યા છે તેઓ સમક્ષ માંગ છે કે જમીન પરત અપાવે : પાટીદાર યુવા સેવા સંઘની બેઠકમાં મનોજ પનારાની તડાફડી મોરબી : મોરબીના ઘુંટુમાં પાટીદાર યુવા સેવા સંઘની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મનોજભાઈ પનારાએ કહ્યું કે સામાન્ય રીતે બનાવ બને પછી સમાજ ભેગો થાય, પણ અમે બનાવ બને જ નહીં તે માટે સમાજ ભેગો કરીએ છીએ.આ બેઠકને સંબોધતા મનોજભાઈ પનારાએ જણાવ્યું કે પહેલા મિટિંગ 22 માર્ચે રાખવાની હતી. પણ આઈપીએલને ધ્યાને રાખી આ મિટિંગ એક દિવસ અગાઉ ગોઠવવામાં આવી છે. પાટીદાર ભાઈઓને અપીલ છે કે તેઓ આઈપીએલના સટ્ટાથી દુર રહે. આઈપીએલમાં 200થી 500 કરોડ હારી જાય છે. હજુ સુધી કોઈએ સટ્ટામાંથી બંગલો બનાવ્યો નથી. સટ્ટો રમાડનારા લોકોને પણ અપીલ છે કે તે પાટીદાર યુવાનોને સટ્ટો ન રમાડે. જો પાટીદારો હારશે તો એક પણ રૂપિયો નહિ મળે. ઉપરાંત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘણા કહે છે કે કઇક બને તો મિટિંગ કરો એ ઠીક છે પણ કઈ બને નહિ એટલે મિટિંગ કરીએ છીએ. મુખ્યમંત્રી મોરબી આવે છે તેનું સ્વાગત કરીએ છીએ. મોરબીને કઈક સારું આપે. ગુંડાઓ કોઈ નાત જાતના હોતા નથી. તેની સામે કડક કાર્યવાહી થાય. ઉપરાંત 8થી 10 પાટીદારોની જમીન ગુંડા પાસે છે. તે છોડાવી આપે તેવી મુખ્યમંત્રી સમક્ષ માંગ છે.વધુમાં મનોજભાઈ પનારાએ જણાવ્યું કે આપણે ગુંડાઓ સામે મુહિમ ચલાવી. ક્રમશઃ તેની અસર આવી. રાજ્યભરમાં ગુંડાઓ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવી છે. પણ હજુ સુધી તો નાની ગુંડીયુ જ હાથમાં આવી છે. મોટા ગુંડા હજુ સતા સાથે બેઠા છે. મોટાભાગના લોકો મોજ શોખ માટે વ્યાજે પૈસા લ્યે છે. હવે તેઓને વ્યાજે પૈસા મળતા બંધ થઈ ગયા છે તો એમાં કઈ વાંધો નથી કારણકે લગ્ન કે દવાખાનું હવેના સમયમાં પૈસામાં વાંકે અટકતું નથી. અહીં સૌથી વધુ જમીનના જ ફ્રોડ થાય છે. અહી તમામ અધિકારી ભ્રષ્ટ જ બેઠા છે. એવી ગડબડો કરે છે કે લુખ્ખાઓને અબજોપતિ બનાવી દીધા છે. હાલ જ વજેપરના સર્વે નં. 602ની જમીનનું જે પ્રકરણ ચાલે છે તેમાં ફ્રોડમાં એક પટેલ પણ છે પણ આપણે તેને સાથ આપવાના નથી. જસદણના પાટીદાર અગ્રણી દિનેશભાઇ બાંભણીયાએ જણાવ્યું કે અગાઉ ક્રાંતિ ઉત્તર ગુજરાતથી થતી હતી. હવે મોરબીથી થઈ છે.આ મુહિમની ખૂબ જરૂર હતી. બધા મહિને ભેગા થશો તો તાકાત ઉભી થશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે ગમતા પક્ષમાં જવું પણ તેને સમાજ સાથે ન જોડવું. હાઇકોર્ટના વકીલ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું કે વાડી બનાવવી, સમૂહ લગ્ન કરાવવા આને જ સમાજ સેવા માનીએ છીએ. પણ લુખ્ખાઓ સામે ભોગ બનનાર માટે ગ્રાઉન્ડ લેવલે લડીએ એ પણ મોટી સમાજ સેવા છે. પોલીસ સ્ટેશનનું નામ પડે એટલે લોકોના પગ ધ્રૂજે. પણ પોલીસ સ્ટેશન આપણા માટે છે. ભોગ બનનારની ફરિયાદ માટે પોલીસ છે. કોઈ ટપોરીમાંથી ડોન બને તે સમજવાની જરૂર છે. તેનું સંશોધન કરશો તો ખબર પડશે કે તેને કોઈનો સપોર્ટ હશે. વ્યાજે પૈસા આપવા લાયસન્સ જોઈએ. તેમાં પણ કેટલું વ્યાજ લેવું તેના પણ નિયમો છે. એટલે વ્યાજખોરોનો ભોગ બન્યા હોય તેની ફરિયાદ લેવા પોલીસ બંધાયેલી છે.