આમંત્રણ પત્રિકાની સાથે રોજિંદા જીવનમાં ઉપયોગી એક હજાર વાક્યોની પુસ્તિકા પણ આપીમોરબી : મોરબીના શુક્લ પરિવારે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે એક અનોખું પગલું ભર્યું છે. પરિવારમાં આગામી દિવસોમાં યજ્ઞોપવિત સંસ્કારની પ્રસંગ આવી રહ્યો હોય સગા સંબંધીઓને આ પ્રસંગનું આમંત્રણ આપવા માટેની આમંત્રણ પત્રિકા સંસ્કૃત ભાષામાં છપાવીને લોકોને એક અનોખો સંદેશ પૂરો પાડ્યો છે.આગામી 23 જાન્યુઆરીના રોજ મોરબીના નિમેષભાઈ શુક્લ સુપુત્ર ક્રિવમ અને તેમના ભાઈ અને સંસ્કૃત ભારતી પ્રાંતના સદસ્ય મયુરભાઈ શુક્લના સુપુત્ર સમ્યક અને ધર્મની સનાતન સંસ્કૃતિ પરંપરા પ્રમાણે યજ્ઞોપવિત વિધિ એટલે કે જનોઈ ધારણ વિધિ યોજાનાર છે. ત્યારે નિમેષભાઈ અને મયુરભાઈ શુક્લએ આ પ્રસંગની આમંત્રણ પત્રિકા સંસ્કૃત ભાષામાં છપાવીને સગા સંબંધીઓને આપી છે. આ આમંત્રણ પત્રિકાની સાથે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા 1 હજાર જેટલા સંસ્કૃત વાક્યોની પુસ્તિકા પણ ભેટ સ્વરૂપે મોકલવામાં આવી છે. આમ આ રીતે મોરબીના શુક્લ પરિવારે સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેની જાગૃતિ વધે તેવો અનુસરણીય પ્રયાસ કરવામાં આવ્યો છે.