મોરબી : વિશ્વમાં સર્વત્ર ફેલાયેલો કોરોના વાયરસ ચેપ ભારતમાં વધુ ન પ્રસરે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલમાં મોરબીમાં શાળા, કોલેજો, મોલ, મલ્ટીપ્લેક્સ, મંદિર સહિતના સ્થળો બંધ છે. તેમજ અનેક જાહેર કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ રવિવારે જનતા કર્ફ્યુ રાખવા અપીલ કરવામાં આવી છે. ત્યારે મોરબીના સાણજા પરિવાર દ્વારા સદ્દગતનું બેસણું અને લૌકીક પ્રથા મોકૂફ રાખી કોરોનાને ફેલાતો અટકાવવા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. મોરબી નિવાસી બચુભાઈ ભીમજીભાઈ સાણજાના પત્ની તથા સ્વ. સુનિલભાઈના માતુશ્રી દૂધીબેન (ઉ.વ. 76)નું આજે તા. 20/03/2020ના રોજ અવસાન થયેલ છે. સાણજા પરિવાર દ્વારા કોરોના વાયરસને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે. આમ, કોરોના વાયરસના ફેલાય તે માટે ખાનગી રીતે આ ઉમદા પગલું લેવામાં આવ્યું છે. જે જાગૃતિ તથા જવાબદારીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. જેના પરથી સમાજને કોરોના વાયરસને લઈને હાલમાં પ્રવર્તેલી ગંભીર પરિસ્થિતિમાં સરકારને સહયોગી બનવાનો સંદેશ પ્રાપ્ત થાય છે.