મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામેની જંગમાં કોરોનાને માત આપવા માટે સરકારના રાહત ફંડમાં આર્થિક યોગદાન આપવાની દેશવાસીઓને હાકલ કરવામાં આવી હતી. આ હાકલને ઝીલીને દેશના સામાન્ય માનવીથી માંડીને અનેક સેલેબ્રિટીઓ અને સેવાભાવી સંસ્થાઓએ માતબર ધનરાશિનું અનુદાન કર્યું છે. ત્યારે મોરબીમાં રહેતા બે નિવૃત સરકારી કર્મચારીઓએ સરકારના રાહત ફંડમાં 51-51 હજારનો ફાળો આપવા આગળ આવ્યા છે. તેઓની આ પહેલથી સમગ્ર મોરબી જિલ્લામાં વસતા નિવૃત કર્મચારીઓને અનુદાન આપવાની પ્રેરણા પ્રાપ્ત થશે. મોરબીના રહેવાસી એવા સરકારી નિવૃત શિક્ષક દેવજીભાઈ રાવજીભાઈ વૈશ્નાણીએ સીએમ રિલીફ ફંડમાં રૂ. 51 હજારનું અનુદાન કર્યું છે. તેમજ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર લક્ષ્મણભાઇ રણછોડભાઈ કોરીંગા દ્વારા પણ સીએમ રિલીફ ફંડમાં રૂ. 51 હજારનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. આજ રોજ તેઓ બંનેએ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને રૂબરૂ મળી પોતાનો ચેક અર્પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બંને કર્મચારીઓએ પોતાની પેન્શનની રકમમાંથી કોરોના વાયરસને હરાવવા માટે રૂ. 51 હજારની ધનરાશિનું દાન કર્યું છે. ત્યારે તેઓએ નિવૃત કર્મચારીઓને વર્તમાનમાં પ્રવર્તેલા કોરોનાના સંકટ સમયે રાજ્યને સહાયરૂપ બની સેવાયજ્ઞમાં જોડાવાનો પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે.