ટંકારા : વિજ્ઞાનમાં પ્રથમ નોવેલ પારિતોષિક મેળવનાર ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. સી.વી. રામનની યાદમાં દર 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એટલા માટે ટંકારા તાલુકાની હિરાપર પ્રાથમિક શાળામાં આ વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો સાથે કરવામાં આવી હતી.જેમાં બાળકોની તર્કશક્તિ અને કલ્પના શક્તિ વિકસે તેમજ દરેક ઘટના પાછળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જાણે તે માટે ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા તેમના માર્ગદર્શક શિક્ષક કિંજલબેન વડસોલાના માર્ગદર્શન નીચે અવનવા પ્રયોગો રજૂ કર્યા હતા. જેને શાળાના તમામ બાળકોએ નિહાળ્યા હતા. આ વિજ્ઞાન પ્રદર્શન બાદ શાળાના આચાર્ય બેચરભાઈ ગોધાણી દ્વારા એક ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં તમામ સ્ટાફ અને બાળકોએ જહેમત ઉઠાવી હતી.