વિદ્યાર્થીઓએ શિક્ષકોના ઇન્ટરવ્યુ લીધા અને 'ગુરુદક્ષિણા પેટી' માં સારા સંકલ્પોની ભેટ આપીમોરબી અપડેટ: શિક્ષક દિનની ઉજવણીને યાદગાર અને અર્થપૂર્ણ બનાવવા માટે મોરબી તાલુકાની ઘૂંટુ પ્રાથમિક શાળામાં કેટલાક નવતર અને ઇનોવેટિવ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં 'ટીચર પોડકાસ્ટ', 'ગુરુદક્ષિણા' અને 'ગુરુ વોલ' જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.શાળામાં આયોજિત 'ટીચર પોડકાસ્ટ' કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. જેમાં ચક્રાકાર ફરકડીમાં શાળાના દરેક શિક્ષકનું નામ લખવામાં આવ્યું હતું. ફરકડી ફરાવીને જે શિક્ષકનું નામ સામે આવે, તે શિક્ષકના બે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુઅર (Interviewer) બન્યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકોને તેમના શોખ, શિક્ષક બનવાનું કારણ, જીવનના આદર્શ વ્યક્તિ, આદર્શ શિક્ષક, તોફાની વિદ્યાર્થીનો યાદગાર પ્રસંગ અને શિક્ષક તરીકેના અનુભવો જેવા મજેદાર પ્રશ્નો પૂછ્યા હતા. આ નવતર પ્રયોગથી બાળકોને શિક્ષકોના માત્ર 'સર' કે 'મેડમ' નહીં, પરંતુ તેમની પાછળ રહેલી વ્યક્તિ, તેમના સંઘર્ષ અને જીવનકથા જાણવાની અદભુત તક મળી હતી.આ ઉપરાંત, શાળામાં 'ગુરુદક્ષિણા પેટી - મારી ગુરુદક્ષિણા, મારું વચન' નામનો નવતર કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે વિદ્યાર્થીઓએ ગુરુને કોઈ મોંઘી ભેટ આપવાને બદલે પોતાના જીવનમાં સારા પરિવર્તન લાવવાના સંકલ્પો ગુરુદક્ષિણા તરીકે પેટીમાં મૂક્યા હતા. વિદ્યાર્થીઓએ 'હું વ્યસન નહીં કરું', 'માતા-પિતાને પ્રણામ કરીશ', 'જંક ફૂડ નહીં ખાઉં', 'નિયમિત અભ્યાસ કરીશ' અને 'પર્યાવરણનું જતન કરીશ' જેવા સંકલ્પો લીધા હતા અને સાબિત કર્યું હતું કે સાચી ગુરુદક્ષિણા પૈસાથી નહીં, પરંતુ જીવનમાં આવેલા સારા પરિવર્તનથી અપાય છે.શિક્ષકો પ્રત્યેનો પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શાળામાં 'ગુરુ વોલ' પણ તૈયાર કરવામાં આવી હતી. બાળકોએ પોતાના મનની વાત નાનકડી ચિઠ્ઠીઓમાં લખીને વ્યક્ત કરી હતી. જેમાં એક વિદ્યાર્થીએ લખ્યું હતું કે, 'સર, તમે મારામાં વિશ્વાસ રાખ્યો, એટલે મને મારામાં વિશ્વાસ આવવા લાગ્યો.' જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ લખ્યું કે, 'તમે અમને માત્ર ભણાવતા નથી, અમને સારા માણસ બનતા શીખવો છો.' ઘૂંટુ શાળા પરિવારના આ નવતર અને પ્રેરણાદાયક આયોજનની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.#MorbiUpdate #TeachersDay #GhunutuPrimarySchool #InnovativeEducation #TeacherPodcast #GuruDakshina #MorbiNews #Morbi