ટંકારા : ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષિકા બહેન દ્વારા બાળ વસ્ત્રાલય ખોલવામાં આવ્યું છે.મહત્વનું છે કે, ભૂત કોટડા પ્રાથમિક શાળામાં મજૂર વર્ગના પરિવારોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને કપડાંની ખાસ જરૂર હોય છે. ત્યારે ઘણા લોકો સારી હાલતમાં રહેલા કપડાં અથવા ટૂંકા થતાં કપડા ફેંકી દેતાં હોય છે ત્યારે આ પ્રકારના કપડાં જો આ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે તો તે પહેરી શકે છે. આ વિચાર સાથે શાળાના શિક્ષિકા દ્વારા બાળ વસ્ત્રાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ આ બાળ વસ્ત્રાલયમાં આવતા સારા કપડા જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે જેથી તેઓ દિવાળીના પર્વમાં સારા કપડાં પહેરી શકે અને તહેવારની ઉજવણી આનંદથી કરી શકે. તો જે કોઈ લોકો આ પ્રકારના કપડાં દાનમાં આપવા ઈચ્છતા હોય તેઓએ શિક્ષિકા ગીતાબેનનો સંપર્ક કરવા જણાવાયું છે.