ખુદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ફરિયાદી બન્યા ભારે કલમો મુજબ ફરિયાદ કરાઈ માળીયા (મિ.) : અત્યાર સુધી ખુલ્લી સરકારી જમીનો ઉપર ડોળો માંડી દબાણ કરાતા હતા પરંતુ હવે દરિયાઈ જમીન ઉપર પણ દબાણ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે અને આવા એક કિસ્સામાં માળીયાના બગસરા નજીક દરિયાઈ પાણીનું વહેણ અટકાવી ચેરીયા વૃક્ષોને નુકશાન પહોંચાડાતા ખુદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી મોરબીના મુખ્ય અધિકારી ફરિયાદી બન્યા છે અને માળીયા પોલીસે ભારે કલમો મુજબ ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ માળિયાના બગસરા ગામ નજીક આવેલ રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નીલ સર્વેની જમીનમા અજાણ્યા ત્રણ શખ્સોએ પ્રવેશ કરી કુદરતી રીતે દરીયાના વહેતા પાણીના વહેણની આડે પાળા બાધી પાણી રોકી અડચણ ઉભી કરી ત્યા રહેલ ચેરીયા વૃક્ષોને જરુરી પાણી નહી પહોંચાડી કુદરતી સંપદાને નુકશાન પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વધુમાં આ મામલે મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારી ક્રૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા, ઉ.વ.-૫૭, મુળ રહે.પ્લોટ નં-૨૬૭/૨ સેક્ટર ૫-એ ગાંધીનગર દ્વારા અજાણ્યા ત્રણ ઇશમો વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૨૮૩, ૪૪૭, ૧૧૪ તથા ઇ.પી.એક્ટ કલમ ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબ ગુન્હો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, નવલખી બંદરે પણ ચેરીયાના વૃક્ષોનું સરેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નવલખી બંદરની સાઇટ વિઝીટ કરી હિંમતભેર પર્યાવરણનું નિકંદન કાઢતા મોટા માથાઓ સામે પણ પગલાં ભરવા જોઈએ તો જ ચેરીયાના વૃક્ષો બચી શકશે અને પર્યાવરણને થતું નુકશાન ખરા અર્થમાં અટકી શકશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..