41 જેટલી માંગણીઓને લઈને આગામી દિવસોમાં ધરણા અને હડતાળ સહિતના કાર્યક્રમમાં આપવામાં આવશે સરકાર કર્મચારીઓ સાથે તાનાશાહી જેવું વર્તન કરતી હોવાનો આરોપમોરબી : આજરોજ મોરબીમાં ભારતીય પોસ્ટલ કર્મચારી ફેડરેશન દ્વારા વિવિધ 41 જેટલી માંગણીઓને લઈને કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર તેઓની તમામ માગણીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરે તેવી માગ કરવામાં આવી હતી.આ અંગે ભારતીય પોસ્ટલ કર્મચારી ફેડરેશન ગુજરાત સર્કલના સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, વિવિધ 41 જેટલી માંગણીઓને લઈને આજરોજ તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં 22 જુલાઈના રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને 1લી ઓગસ્ટના રોજ હડતાળ પાડવામાં આવશે અને તેમ છતાં જો સરકાર માગણીઓ પૂર્ણ ન કરે તો 17 ઓગસ્ટથી અચોક્કસ મદદની હડતાળ કરવામાં આવશે. મુખ્ય માંગણીઓ જણાવતા તેમણે કહ્યું હતું કે, તાત્કાલિક આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવે અને તેમાં 50% DA મર્જ કરવામાં આવે. આ ઉપરાંત હાલ લોકશાહી હોવા છતાં સરકાર અમારી સાથે તાનાશાહી જેવું વર્તન કરી રહી છે. તમામ સરકારી ઓફિસો 6 વાગ્યે બંધ થઈ જાય છે ત્યારે પોસ્ટ ઓફિસમાં અમે 9 વાગ્યા સુધી રાત્રે કામ કરીએ છીએ. ત્યારે સરકાર જે અમારી સાથે આ વર્તન કરી રહી છે તે બંધ કરવામાં આવે. આ ઉપરાંતની કુલ 41 જેટલી માંગણીઓને લઈને આ અમારો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેની આજે શરૂઆત થઈ છે.