અભિષેક શર્માએ માત્ર ૨૮ દડામાં ૭ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૬૧ રન ફટકાર્યા : એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં 19 ગોલ્ડ મેડલ મોરબી : એશિયન ગેમ્સ ૨૦૨૬ ના ક્રિકેટ ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૧૯ રનથી પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પર પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. ફાઇનલમાં હારનો સામનો કરનાર પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે શ્રીલંકાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.મહત્વનું છે કે, ક્રિકેટમેચમા ગોલ્ડ મેડલ સાથે ભારતે એશિયન ગેમ્સમાં કુલ 19 ગોલ્ડ મેડલ અંકે કર્યા છે.જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં આજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાકિસ્તાન સામે ૨૧૨ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ભારતની શરૂઆત નબળી રહી હતી અને ૫૧ રનના સ્કોર પર વૈભવ સૂર્યવંશી (૧૫ રન) તથા સંજુ સેમસન (૨ રન) પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ઓપનર અભિષેક શર્માએ આક્રમક રમત ચાલુ રાખીને માત્ર ૨૮ દડામાં ૭ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૬૧ રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે કેપ્ટન શ્રેયસ અય્યર (૨૧ રન) સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૪૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ઇશાન કિશને પણ ૧૮ દડામાં ૨૦ રનનું યોગદાન આપ્યું હતું.ભારતે ૧૪.૧ ઓવરમાં ૧૩૩ રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ક્રીઝ પર આવેલા શિવમ દુબે અને તિલક વર્માએ પાકિસ્તાની બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે માત્ર ૩૦ દડામાં ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. શિવમ દુબે ૧૫ દડામાં ૨ છગ્ગા અને ૨ ચોગ્ગા ફટકારીને ૨૭ રને આઉટ થયો હતો. બીજી તરફ, તિલક વર્માએ માત્ર ૨૧ દડામાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ૨૨ દડામાં ૪ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો.નિર્ધારિત ઓવરોના અંતે ભારતે ૬ વિકેટે ૨૧૧ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી અહમદ દાનિયાલ અને અરાફાત મિન્હાસે ૨-૨ વિકેટ ઝડપી હતી, જ્યારે સઈમ અયુબ અને અબરાર અહમદને ૧-૧ વિકેટ મળી હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. જો કે,ભારત-પાકિસ્તાન વચ્ચેના એશિયન ગેમ્સના ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાની ટીમે આખરી ઓવર સુધી સતત રન બનાવવાનું જારી રાખતા ફાઇનલ મેચ રોમાંચક બની હતી અને આખરી ઓવરમાં ભારતીય બોલરે પાકિસ્તાની ખેલાડીઓ પર દબાવ બનાવી રાખતા મેચના અંતે ભારતે ૧૯ રને શાનદાર વિજય મેળવ્યો હતો.