તપોવન વિધાલયમાં વ્યસન મુક્તિ અંગેની ફિલ્મ દર્શાવી વિધાર્થીઓને વ્યસનથી દૂર રહેવાનો મેસેજ આપ્યો : સાત જેટલા વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા મોરબી : વ્યસન મુક્ત બનીને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ભારત ભ્રમણ કરી રહેલી એક રથ મોરબી આવી પહોંચ્યો હતો અને તપોવન વિધાલય ખાતે વ્યસન મુક્તિ અંગે ફિલ્મ દર્શાવી હતી અને વિધાર્થીઓને વ્યસનથી દુર રહેવાનો મેસેજ આપ્યો હતો.જ્યારે વ્યસન કરતા સાત જેટલા વિધાર્થીઓએ સ્વેચ્છાએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.આ રથ બે દિવસ સુધી મોરબીની જુદીજુદી શાળાઓ ફરીને વ્યસન મુક્તિ અંગે વિધાર્થીઓને જાગૃત કરશે. ભારત દેશની નવી પેઢી જુદાજુદા વ્યસનની ગુલામ બની ગઈ છે.આ વ્યસનથી જે તે વ્યક્તિનું આરોગ્ય જોખમાય છે.તેની સાથે તેના પરિવારનું પણ જીવન બરબાદ થઈ જાય છે.આ વ્યસનો ભારત દેશને ઉધઈની જેમ ખાઈ રહ્યો છે.આથી નવી પેઢી વ્યસન મુક્ત બને અને તંદુરસ્ત અને આદર્શ ભારત દેશનું નિર્માણ થાય તેવા હેતુસર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ લાવવા 6 રથનું ભરતભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે.જેમાંનો એક રથ વ્યસન મુક્તિ માટે જનજાગૃતિ લાવવા ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યો છે.આ વ્યસન મુક્તિ માટેનો રથ આજે મોરબી આવી પહોંચ્યો હતો.આ રથ બે દિવસ સુધી મોરબીમાં મુકામ કરીને પરિભ્રમણ કરશે અને બે દિવસ દરમિયાન આશરે 10 હજાર જેટલા વિધાર્થીઓને સમજવીને વ્યસન મુક્ત બનાવવાના હકારાત્મક પ્રયાસો કરાશે. આ રથ આજે મોરબીની તપોવન સ્કૂલમાં પહોંચ્યો હતો.વિધાર્થીઓને ફિલ્મ બતાવીને વ્યસનથી શરીરને થતા નુકશાન અંગે સમજાવીને વ્યસનથી દૂર રહેવાનો મેસેજ આપ્યો હતો.જ્યારે છથી સાત વિધાર્થીઓએ તેમાંથી પ્રેરાઈને વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.તેથી આ વિધાર્થીઓને બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે સ્કૂલ સંચાલક રંગપરિયાએ પણ વિધાર્થીઓને વ્યસનથી દૂર રહેવાની શીખ આપી હતી.આ રથ તા.14 અને તા.15 ના રોજ એમ બે દિવસ મોરબીની તમામ શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવાશે.નશા છોડો ભારત અભિયાન હેઠળ સમાજને તંદુરસ્ત બનાવવાનું અભિયાન હાથ ધરાશે.