રાજ્યના 3000 જેટલા સ્ટોન ક્રશર ઠપ્પ થતા અનેક શ્રમિકોની રોજીરોટી બંધ તા.1લીમેથી શરૂ થયેલી હડતાળની વિપરીત અસર શરૂ : રોડ-રસ્તાના કામ અમે બાંધકામ ઉદ્યોગ ઠપ્પ મોરબી : આરટીઓની કનડગત અને ખાણખનીજ વિભાગની અવળચંડાઈને પગલે મોરબીના 45થી વધુ તેમજ રાજ્યના 3000 જેટલા સ્ટોન ક્રશર એટલે કે કપચીના ભરડિયા સંચાલકો તા.1લીમેથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા સમગ્ર રાજ્યમાં આ હડતાળની અસર વર્તાવવાની શરૂઆત થી ગઈ છે, રોડ રસ્તાના અનેક કામો ખોરંભે પડ્યા છે તો બાંધકામ સાઈટો ઉપર પણ કપચી ન પહોંચતા બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થયો છે. મોરબી સહીત રાજ્યભરના બ્લેક સ્ટોન કવોરી ઈન્ડસ્ટ્રી સંચાલકો આરટીઓ અને ખાણખનીજ વિભાગની કનડગતને લઈ 1લી મેથી હડતાળ પર ઉતરી ગયા છે. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મક્કમ બનેલા ભરડિયા સંચાલકોની આ હડતાળને પગલે સરકારની રોજની લાખો -કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક બંઘ થઈ છે. ક્વોરી માલિકોએ જણાવ્યું હતું કે 'સરકારમાં ખાડા માપણી, રોયલ્ટી ક્વોરીઝોન સહિતની જુદી જુદી માગણીઓ પેન્ડિંગ છે જેને લઇ હડતાલ પર ઉતર્યા છીએ. મોરબીના અગ્રણી સ્ટોન ક્રશર સંચાલક નિલભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ રાજ્યમાં 3000 જેટલા સ્ટોન ક્રશર આવેલા છે અને એકલા મોરબી જિલ્લામાં 45 જેટલા સ્ટોન ક્રશરમાં 2000 થી 2500 શ્રમિકો તેમજ 1000 જેટલા ટ્રક ચાલકો હડતાળને કારણે બેકાર બન્યા છે. વર્ષે દહાડે સરકારને હજારો કરોડની કમાણી કરાવતા સ્ટોન ક્રશર ઉદ્યોગની વ્યાજબી માંગણીઓ ઉકેલવા ન છૂટકે ભરડિયા સંચાલકોએ હડતાલનો રસ્તો અપનાવ્યો હોવાનું સ્ટોન ક્રશર માલિકો જણાવી રહ્યા છે. વધુમાં ક્વોરી સંચાલકોએ સાત મુખ્ય માંગણી સરકાર સામે મૂકી છે. જેમાં છેલ્લા 11 વર્ષથી માંગણીઓનો નિકાલ નહીં થતાં એપ્રિલ માસમાં સ્ટોન ક્રશર સંગઠને હડતાળની ચીમકી સાથે આવેદન આપ્યું હતું આમ છતાં માંગ નહીં સ્વીકારતા રાજ્યના સ્થાપના દિને એટલે કે પહેલી મે થી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવામાં આવી છે પરિણામે ખાણમાં કામ કરતા સાધનો અને ક્રશર પ્લાન્ટ ઉપર કામ કરતા મજુરો હાલ બેકાર બની ગયા છે અને હડતાળની અસર રૂપે રાજ્યભરના સરકારી, ખાનગી બાંધકામોના કામ તેમજ રોડ રસ્તાના કામને અસર પાડવા લાગી છે. સ્ટોન ક્રશર અને ક્વોરી સંચાલકોની મુખ્ય માગણીઓમાં 1. ખાડાની માપણી બાબત, 2. ખાનગી માલિકીની જમીનમાં ક્વોલીની લીઝો હરાજી વિના આપવા બાબત, 3. ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબત, 4. ઈ.સી. અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત, 5. ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવા બાબત, 6. ખનીજની રોયલ્ટી રૂ. 350 છે તે ખરેખર રૂ.50 થાય છે તે ફેરફાર કરવા બાબત તેમજ 7. મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા માંગ ઉઠાવી છે.