માળીયા તાલુકા ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન અપાયુ મોરબી : ઈ-ગ્રામ વીસીઈ કર્મચારીઓએ પડતર પ્રશ્ને સરકાર સામે ધોકો પછાડ્યો છે. જેમાં વર્ષ 2006 થી સંકળાયેલા આ કર્મચારીઓના હક્ક હિસ્સા ઉપર તરાપ મારીને શોષણ કરવામાં આવી રહ્યું હોવાથી રાવ સાથે ઈ-ગ્રામ વીસીઈ કર્મચારીઓ પોતાના હક્ક હિસ્સા મેળવવા માટે મેદાને પડ્યા છે. આજે માળીયા તાલુકા ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી જો પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. માળીયા તાલુકા ગ્રામ પંચાયત વીસીઈ મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપીને જણાવ્યું હતું કે, વર્ષ 2006 થી કમિશન બેઇઝ ઉપર ડીઝીટલ કામગીરી કરતા વીસીઇને આજસુધી પગારનોલાભ આપવામાં આવ્યો નથી. પગાર મુદ્દે વારંવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા અગાઉ હડતાલ કરી હતી.પરંતુ તે સમયે તંત્રએ ખાતરી આપીને ફરી પાણીમાં બેસી ગયું હતું.આથી આ હક્ક મુદ્દે ફરી કર્મચારીઓ મેદાને આવ્યા છે. જેમાં વીસીઈને સરકારી કર્મી જાહેર કરીને કાયમી કરવા, ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના પોલિસી રદ કરી સરકારી ધારા ધોરણ મુજબ પગાર ધોરણ લાગુ કરવા, સરકારના મહત્વપૂર્ણ વિભાગ જેવા કે, પંચાયત, મહેસુલ, પુરવઠાની કામગીરી વીસીઇ જ કરતા હોય તેમને સરકારના વર્ગ-3 ન કર્મચારી જાહેર કરવા, ઇ-ગ્રામ સોસાયટી દ્વારા ખાનગીકરણ મહત્વ અપાતું હોય તે બંધ કરી વીસીઈને કામ આપી તમામ સરકારના મળવાપાત્ર હક્ક હિસ્સાના લાભો આપવા, વીસીઇને સમાન કામ સમાન વેતનમાં આવરી લેવાની માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે 2006 થી વીસીઇ કામગીરી કરતા હોય વહીવટી તંત્ર, ગામ લોકો અને સરકાર વચ્ચે મહત્વપૂર્ણ કડી વીસીઇ હોવાથી સરકારની તમામ સહાયકારી યોજનાઓ, ખેડુતોને લગતીઓ યોજનાઓ, ડીઝીટલ સેવા સેતુની કામગીરી વિગેરેની સફળતાપૂર્વક કામગીરી કરીને સરકારના હેતુલક્ષી આશયને પરીપૂર્ણ કરતા હોય સરકાર દ્વારા વીસીઇની કેડરને કાયમી કેડરમાં ફેરવીને સરકારશ્રીના કર્મચારી તરીકેનુ બહુમાન આપવામાં આવે. ગુજરાતના વીસીઇને સરકાર દ્વારા વીસીઇને તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ મીંટીંગ રાખવામાં આવે છે ત્યારે કોઇપણ પ્રકારનુ ભથ્થુ આપવામાં આવતું નથી. સરકારી કર્મચારીને ટીએ, ડીએ આપવામાં આવે છે. એમ વીસીઇને લાભ આપવામાં આવે. સરકારી કર્મચારીને સરકાર દ્વારા વીમા કવચ આપવામાં આવે છે. એમના પરિવારને વીમા રક્ષણ આપવામાં આવે છે એમ વીસીઇ પણ સરકારી કામ કરતો હોય વીસીઇ અને તેના પરિવારને વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવે.આ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..