હજુ દસ દિવસ પહેલા જ રૂ.2.10નો ભાવ વધારો ઝીકાયો હતો : પીએનજીના નવા ભાવ 46.05 પૈસા થતા સિરામિક ઉદ્યોગ ઉપર 30 કરોડનો વધારાનો બોજ પ્રોપેન એલપીજીમાં પણ તોળાતો ભાવ વધારો, આજનો મોરબી પહોંચનો એલપીજીનો ભાવ 48 રૂપિયા મોરબી : એકતરફ કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જ્વલા યોજનાના ગરીબ ઉપભોક્તાઓ માટે રાંધણ ગેસમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તેવા સમયે જ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ભડકો થતાની સાથે જ આજે ગુજરાત ગેસ કંપનીએ મોરબી સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં એક ઝાટકે રૂપિયા 2.65 પૈસાનો ભાવ વધારો ઝીકી દેતા સિરામિક ઉદ્યોગપતિઓ સ્તબ્ધ થઈ ગયા છે, ઉલ્લેખનીય છે કે, હજુ દસ દિવસ પહેલા જ જીએસપીસી કંપનીએ રૂ.2.10 પૈસાનો ભાવ વધારો અમલી બનાવ્યો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ભડકો થતા આવતીકાલે એલપીજી પ્રોપેનના ભાવમાં પણ ભાવ વધારો થવાના અણસાર મળી રહ્યા છે. આ ભાવ વધારાના કારણે મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર મહિને 30 કરોડનો વધારાનો બોજ આવ્યો છે. આજરોજ ગુજરાત ગેસ કંપની દ્વારા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીના ઉદ્યોગજગતને આંચકો આપતો પરિપત્ર પાઠવી તા.1 સપ્ટેમ્બરથી ગેસના પ્રવર્તમાન ભાવ રૂ. 43.40 પૈસામા રૂપિયા 2.65 પૈસાના ભાવ વધારા સાથે એમજીઓ ધારકોને રૂપિયા 46.05 પૈસામાં ગેસ આપવામાં આવશે તેવી જાણ કરી છે. ચાલુ માસમાં દસ દિવસ પહેલા જ ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 2.10 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. નેચરલ પાઇપલાઇન ગેસના ભાવ વધારા અંગે પ્રતિક્રિયા આપતા મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ગેસના ભાવમાં વધારાથી સિરામિક ઉદ્યોગ ઉપર 30 કરોડનો વધારાનો નાણાંકીય બોજ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમા ગેસના ભાવમાં થયેલ ભાવ વધારાને પગલે આજે નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો હોવાનું અને આવતીકાલે મોરબીના 50 ટકાથી વધુ ઉદ્યોગકારો જે એલપીજી અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે તેમને પણ ભાવવધારનો ડામ સહન કરવો પડે તેમ હોવાના અણસાર મળી રહ્યા છે. આજે એલપીજી મોરબી પહોંચનો ભાવ રૂપિયા 48 હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.