રોડના કામ મંજુર કરાવવાની જાહેરાતો જોરશોરથી થાય છે પણ કામો પુરા થતા નથી : આંદોલનની ચીમકીમોરબી : મોરબીમાં રોડ-રસ્તાના અનેક કામોની જાહેરાત તો કરવામાં આવે છે પણ પુરા કરવામાં આવતા નથી. આ મામલે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામથી જશાપર ગામને જોડતો રોડ જે મંજુર થયો તેને ત્રણથી વધુ વર્ષ થયા છે. આ કામનો કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે. આ કામ કરવાનો જશ બે- બે ધારાસભ્યો દ્વારા લેવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટર દ્વારા માટીકામ અને મેટલ કામ કરવામાં આવેલ છે. જયારે બે કરોડના કામમાં હવે મુખ્ય કામ જે ડામર કામ બાકી છે. અને કામ ઘણા સમયથી કામ બંધ છે. જો યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવામાં નહિ આવે તો ગામ લોકો સાથે રહીને આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.મોરબીના ધારાસભ્યએ બે દિવસ પહેલા જ પોતાના દ્વારા કામો મંજુર કરાવ્યાના સમાચાર પ્રસિદ્ધ કરાવેલ છે. પરંતુ કામો પુરા જ ન થવાના હોય તેવા કામોનું શું કરવું ? આવું જ મોરબી - પીપળી - જેતપર રોડનું છે. ઘણા વર્ષોથી કામ ચાલુ જ છે. આગળ કામ ચાલે છે. અને પાછળ કરેલ કામ તુટવા પણ લાગ્યું છે. પરંતુ કામ પૂરું થયું નથી. આવુજ બીજું કામ મોરબી - હળવદ રોડ નું છે. જે પણ ઘણા સમય થયા ચાલે છે. પરંતુ પૂરું જ નથી થતું. કેમ ? અને કામ પણ ખુબજ નબળું થઇ રહ્યું છે. મહેન્દ્રનગર પાસેનો ઓવેર બ્રીજ પણ ક્યારે પૂરો થશે? તે જ નક્કી થાય તેમ નથી. મોરબી શહેરમાં પંચાસર રોડનું કામ પણ ઘણા સમય થયા ચાલે છે. પરંતુ પૂરું જ નથી થતું અને પૂરું થયા પહેલા તુટવા પણ લાગે છે. અને કામમાં નબળું મટીરીયલ વાપરવામાં આવે છે. આની તપાસ કરાવવાની માંગણી છે. મોરબી લીલાપરથી બાયપાસને જોડતો કેનાલ બાજુનો રોડ પણ ઘણી જગ્યા એ બાકી છે. ત્યાં જ ઘણી જગ્યા એ તૂટી જવા લાગ્યો છે. તો શું સિમેન્ટ કોન્ક્રીટ રોડનું આયુષ્ય બે વર્ષનું જ હોય છે? જો જવાબ ના હોય તો આવું કામ કરનાર કોન્ટ્રકાટર સામે તંત્ર કેમ કઈ પગલા લેતું નથી ? હમણા ત્રણ ચાર દિવસ પહેલા અવની ચોકડી એ જે કામ ચાલતું હતું. તે કામ નબળું થતું હોવાની ડે. કમીશનરને ફોટા સાથે રજુઆત કરી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયુ છે.