38થી વધુ જગ્યાએ 250 જેટલા અધિકારીઓના સ્ટાફ દ્વારા હજુ પણ સર્ચ યથાવત : આઇટીની કાર્યવાહીથી અનેક આંગડીયા પેઢીઓ બંધમોરબી : મોરબીમાં 38થી વધુ જગ્યાએ આવકવેરા વિભાગે દરોડા પાડીને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. તેવામાં એક આંગડીયા પેઢીમાં પણ ટીમોએ સર્ચ ચલાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આઇટીની કાર્યવાહીથી શહેરની અનેક આંગડીયા પેઢીઓ આજે બંધ જોવા મળી રહી છે.મોરબીમાં મેટ્રો, લેવીસ સહિતના અનેક સિરામિક ગૃપ તેમજ જમીનના સોદા સાથે જોડાયેલા અન્ય લોકોની 38થી વધુ જગ્યાઓ ઉપર ગત રાત્રીના અંદાજે 3 વાગ્યે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં 250 જેટલા અધિકારીઓ સહિતનો સ્ટાફ જોડાયો છે. આ દરમિયાન કોઈ વ્યવહારની કડી મેળવવા માટે આવકવેરા વિભાગની ટીમે મોરબીની એક આંગડીયા પેઢીના સ્થળે તેમજ સંચાલકના ઘરે દરોડો પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દરોડા પાડવા માટે સુરતના અધિકારીઓ આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ હાઇવે પાસે તેમની કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેથી આ કારમાં રહેલી ટીમને પરત સુરત મોકલી દેવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.