મોરબીની સાથે - સાથે અમદાવાદ, વડોદરા ખાતે પણ ક્યુટોન સીરામીક ગ્રુપ ઉપર તવાઈ મોરબી : મોરબીના અગ્રણી ક્યુટોન સિરામિક ગ્રુપના ઉત્પાદન અને વેચાણ મથકો ઉપર આજે વહેલી સવારથી ઇન્કમટેક્સના દરોડા પડયા છે. મોરબીની સાથે - સાથે અમદાવાદ અને વડોદરા ખાતે પણ ક્યુટોન ગ્રુપના ધંધાદારી સ્થળો ઇન્કમટેક્સના નિશાન ઉપર આવ્યા છે અને કુલ મળી 25થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી મોરબીના અગ્રણી ક્યુટોન સિરામિક ગ્રુપમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. વધુમાં ક્યુટોન સિરામિક વાંકાનેર સહિતના યુનિટો અને 6 સપ્લાય સ્થળો ઉપર ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જેમાં રાજકોટથી 1 ડઝનથી વધુ અધિકારી તપાસમાં જોડાયા હોવાનું અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્યુટોન સિરામિક ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહીને લઈ અકિલા, આજકાલ અને અન્ય દૈનિકપત્રોમાં પણ અહેવાલ પ્રસિદ્ધ થયા છે અને મોરબીની સાથે જ વડોદરા તેમજ અમદાવાદ ખાતે ક્યુટોન ગ્રુપ સાથે જોડાયેલ વ્યાપાર સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.